News of Saturday, 6th July 2024
વાંકાનેરના ભેરડાથી દેરડા ગામે રામામંડળ જોવા ગયેલા કિશન પર ધોકાવાળી થઇ
પાંચેક શખ્સોએ કાંઠલો પકડી દૂર લઇ જઇ હુમલો કર્યોઃ કારણ જાણતો ન હોવાનું રટણ

રાજકોટ તા. ૬: વાંકાનેરના ભેરડા ગામે રહેતાં કિશન ચંદુભાઇ સાબરીયા (ઉ.વ.૨૨) નામના યુવાન પર તે ગત રાતે નજીકના દેરડા ગામે રામામંડળ જોવા ગયો ત્યારે અજાણ્યા શખ્સો રામામંડળના સ્થળેથી તેનો કાંઠલો પકડી દૂર લઇ ગયા બાદ છરી ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કિશનના કહેવા મુજબ પોતે ખેતી કરી ગુજરાન ચલાવે છે. રાતે નજીકના દેરડા ગામે રામામંડળ રમાતું હોવાની જાણ થતાં પોતે ત્યાં જોવા ગયો હતો. એ વખતે અજાણ્યા ચાર પાંચ શખ્સો તેની નજીક આવ્યા હતાં. કંઇપણ બોલ્યા વગર એક શખ્સે કાંઠલો પકડયો હતો અને રામામંડળ રમાતું હતું ત્યાંથી થોડે દૂર લઇ ગયા હતાં અને ધોકાવાળી કરી હતી. તેમજ છરીથી છરકા કર્યા હતાં. પોતાને શા માટે મારકુટ કરવામાં આવી? તે અંગે પોતે અજાણ હોવાનું તેણે રટણ કર્યુ હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
