<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

માળિયામાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ ઈસમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો જયારે એક નિર્દોષ જાહેર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયામાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હોય જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલે રજુ કરેલ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને એક ઈસમને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે તો એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કર્યો છે.
  કેસની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૧૮-૧૦-૨૦૧૪ ના રોજ ફરિયાદી જીતેન્દ્રભાઈ શંખેસરીયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના કાકા રમેશભાઈ શંકરભાઈ શંખેસરીયાને આરોપીઓએ હાથમાં પહેરેલ સોનાની વીંટી રૂ ૧૬ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦ ની લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીના કાકાને માથાના, ગળાના ભાગે અને પડખામાં તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી સોનાની વીંટી અને મોબાઈલની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા જે બનાવને પગલે માળિયા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા.
   જે કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં ૧૭ મૌખિક અને ૨૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પંકજ બહાદુર ડામોરને કસુરવાન ઠેરવી આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજાનો હુકમ કર્યો છે અને આઈપીસી કલમ ૩૯૭ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તો આરોપી દિલીપ ઉર્ફે કાળું વરસિંગ કટારાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

(5:30 PM IST)