<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

જમીનમાં ભાગ નહીં મળતા પિતાની હત્‍યા કરી નાખીઃ દ્વારકા પાસે મળેલી દલવાડી વૃધ્‍ધની લાશનો ભેદ ખૂલ્‍યો

આરોપી પુત્ર જીઇબીના આસી. ઇલેકટ્રીશીયનની ધરપકડ : રાત્રીના ખેતરે જઇ વિજળી કાપી નાખી : અંધારામાં માથામાં હથોડી મારેલ : ‘‘ક્રાઇમ પેટ્રોલ'' સિરીયલ જોઇ સમગ્ર કાવતરૂ રચેલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૮ : દ્વારકા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના લાડવા ગામની સીમમાં મોમાઇ માતાના મંદીરની સામેના ભાગે આવેલ મોહનભાઇ ભીમાભાઇ સોનગરાની માથાના ભાગે કોઇ હથિયારથી બેરહમી રીતે ઘા મારી હત્‍યા થયેલ હાલતમાં લાશ મળી આવેલ જે બાબતે દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે મરનારના નાના દિકરા સતિષભાઇનાઓ દ્વારા કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો અજાણ્‍યા માણસ વિરૂધ્‍ધમાં નોંધવામાં આવેલ હતો.

 તપાસની કાર્યવાહી દરમ્‍યાન ફરીયાદીશ્રીના જણાવ્‍યા મુજબ પોતાના મોટા ભાઇ કે જેઓ છેલ્લા આશરે દશેક વર્ષ ઉપરાંતથી પોતાના પરીવાર સાથે અલગ રહે છે અને તેઓ વારંવાર મરનાર એટલે કે તેના પિતાની પાસે જમીનમાંથી ભાગની માંગણી કરતા હોવાની હકિકત જણાવેલ હતી. આ ઉપરાંત તપાસની કાર્યવાહીના ભાગરૂપે કરવામાં સલંગ્ન વ્‍યકિતઓની પૂછપરછ દરમ્‍યાન મરનારના મોટા દિકરા રાજેશભાઇ ઉપર શંકાની સોઇ મજબૂત બનતી જતી હતી.

જેથી એલસીબી- એસઓજી તથા સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનના અધિકારીશ્રીઓ તથા સ્‍ટાફના માણસો દ્વારા મજકુર રાજેશભાઇ સોનગરાની રીતે પૂછપરછ કરતા પોતે પોલીસના સવાલ જવાબના ચક્રવ્‍યુમાં ફસાઇ જતા આખરે પડી ભાંગી પોતે ગુનો આચરેલ હોવાની કબૂલાત કરેલ. આ રીતે દ્વારકા જિલ્લાની પોલીસ દ્વારા પુનઃ એક સંયુકત ટીમ સ્‍વરૂપે કામ કરી આ -કારે વણશોધાયેલ ખૂનનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં મહત્‍વની સફળતા હાંસલ કરેલ છે. હાલ મજકુર આરોપીની વિધિવત ધરપકડ કરી તપાસની કાર્યવાહી જારી રાખવામાં આવેલ છે

 રાજેશભાઈ સોનગરા દલવાડી કે જેઓ છેલ્લા આશરે પાંચેક વર્ષથી જીઇબીમાં આસી.ઇલેકટ્રીશિયન તરીકે ફરજ બજાવે છે જેથી મરનારને હેરાન કરવાના આશયથી મરનાર ઘર નજીક જઈ રોડ પરની સ્‍ટ્રીટ લાઇટ બંધ કટ કરી નાંખતો અને મરનાર ઘર ઉપર પથ્‍થર ફેંકતો હતો આખરે પોતાનો મલીન ઇરાદો પરીપૂર્ણ કરવા સારૂં પોતે છેલ્લા ચાર- પાંચ દિવસ દરમ્‍યાન તેઓ પોતાના પિતાના ખેતર બાજુ મોઢે માસ્‍ક બાંધી વારંવાર જઈ રેકી કરવાનુ ચાલુ કરેલ.

 દરમ્‍યાન તા. ૪/૭/૨૦૨૪ના રોજ સાંજના સમયે પોતે ત્‍યાં આવેલ મંદીરના દર્શન કરવાના બહાને જઈ મરનારે તે જ દિવસે તેના ખેતરમાં વાવણી કરેલ હોય અને ખેતરની ચારેય તરફ કરંટના જાટકા મુકેલ હોવાની અને મરનાર પોતે રખોપુ કરવા સારૂ રાત્રિના આવનાર હોવાની હકિકત જાણી આવી રાત્રિના સમયે પોતે પહેરેલ શર્ટ તથા બાઇક ચેન્‍જ કરી છુપી રીતે ખેતરે જઇ પોતાના ઇલેકટ્રીકના અનુભવથી મેઇન લાઇનના ટીસીએ જઈ લાઇટ કટ કરી ખેતરે જઇ વાડીના જાટકાના વાયર કાપી મરનારને જગાડી કાંઇ પણ પૂછતાછ કર્યા સિવાય પોતે ઘરેથી લઇ ગયેલ લોખડથી હથોડીથી મરનારના માથાના ભાગે ઘા મારી મળત્‍યુ નિપજાવી રસ્‍તામાં હથોડી પાણીથી ધોઇ પરત ઘરે આવી જઈ પોતાના કપડા ધોઇ નાંખેલ.

બાદ વહેલી સવારના સમયે પોતે કોઇને શંકા ન જાય તે સારૂ પોતે બસ મારફતે જામનગર જતા રહેલ અને બાદ બપોરના પોતાને જાણ થતા તેઓ પરત આવી નોર્મલ રીતે વર્તન કરવા લાગેલ હતા. મરનાર પોતે છેલ્લા ઘણા સમયથી યુટયુબ ઉપર ક્રાઇમ પેટ્રોલ સીરીયલ જોઇ પોતે પોલીસથી બચવા સારૂ કેવા કેવા કાવતરા ઘડવા ? તે જોતો હતો અને તે મુજબ પોતે કોઇ પુરાવાઓ ન છોડે તે સારૂ પોતે ખૂબ બારીકાઇથી પ્‍લાનીંગ બનાવી આ ઘટનાને અંજામ આપેલ છે.

 આ રીતે વર્ષો જુની કહેવત ‘‘જર, જમીન અને જોરૂ, આ ત્રણેય કજીયાના છોરૂ !'' કહેવત સાર્થક થયેલ છે.

 આ કામગીરીમાં  પોલીસ ઇન્‍સપેકટર  કે.કે.ગોહિલ, એલસીબી, ઇન્‍સ્‍પેકટર  ટી.સી.પટેલ, ઇન્‍સ્‍પેકટરશ્રી પી.સી. શિંગરખીયા એસ.ઓ.જી., સબ ઇન્‍સ્‍પેકટર એ.એલ. બારસીયા એલસીબી, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર બી.એમ.દેવમુરારી એલસીબી, સબ ઇન્‍સ્‍પેકટર  આર.એસ. સુવા ડી સ્‍ટાફએ કરી હતી.

(10:39 AM IST)