<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પાંજવાળીની ઘટનામાં દુષ્‍પ્રેરણાનો ગુન્‍હો દાખલ

વેપારીએ મારમારી ઢસડયા, લાગી આવતા હકુભાઇ વાઘેલાએ આત્‍મહત્‍યા કરી લીધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૦: ચોટીલા તાલુકાના નાના એવા પાંજવાળી (નવાગામ) ગામે રહેતા ૩૫ વર્ષીય હકુભાઈ નાજાભાઈ વાઘેલા અપરીણીત હતા.સોમવારના રોજ સવારે ગામમાં આવેલા માતાજીના મઢે તેની લાશ મળી આવી હતી. જેમાં માતાજીના મઢમાં ઘંટ સાથે તે લટકતો મળી આવ્‍યો હતો. ચોટીલા પોલીસને જાણ થતા પીઆઈ આઈ.બી.વલવી સહિતનો કાફલો પાંજવાળી દોડી ગયો હતો અને લાશને ઉતારી પીએમ માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાઈ હતી. આ બનાવ હત્‍યાનો હોવાનું કહીને પરીવારજનોએ લાશ સ્‍વીકારવાની ના પાડી દેતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. અને ડીવાયએસપી વી.એમ.રબારી, એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓ પણ ચોટીલા દોડી ગયા હતા અને પરિવારજનોને સમજાવવાની કાર્યવાહી કરી હતી.

પોલીસે પાંજવાળીના ૨ શખ્‍સો સામે કલમ ૧૦૮ મુજબ દુષ્‍પ્રેરણનો અને એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધ્‍યો છે. જેમાં ગત તા.૭મીએ સાંજે હકુભાઈના ઘર પાસે દુકાન ધરાવતા રામાભાઈ રમેશભાઈ સુરેલા અને મુનાભાઈ નાથાભાઈ સુરેલાએ હકુભાઈને કોઈ કારણોસર લાકડીથી માર મારી ઢસડયા હતા. આ બાબતે લાગી આવતા હકુભાઈએ માતાજીના મઢમાં જઈ આત્‍મહત્‍યા કરી હોવાનું મળતકના ભાઈ મનુભાઈ નાજાભાઈ વાઘેલાએ જણાવી બન્ને સામે દુષ્‍પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ડીવાયએસપી લીંબડી ચલાવી રહ્યા છે.

(11:07 AM IST)