News of Wednesday, 10th July 2024
જુનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં ૬.૭૫ ટકા વરસાદ વધતા મોસમનો કુલ વરસાદ ૫૩.૩૫ ટકા થયો
સૌથી વધુ ૩૦ ઇંચ વરસાદ વિસાવદર પંથકમાં નોંધાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦ : એક અઠવાડિયાથી રાહ જોવડાવતા મેઘરાજા આખરે મંગળવારે જુનાગઢ જિલ્લામાં વરસી પડ્યા હતા. જેના પગલે ૨૪ કલાકમાં જિલ્લામાં ૬.૭૫ ટકા વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ ૫૩.૩૫ ટકા થયો છે.
હવામાન વિભાગની આગાહી છતાં પણ જુનાગઢ શહેર સોરઠમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ મંગળવારે બપોર બાદથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. અને મોડી રાત સુધી મેઘાએ વહાલ વરસાવતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ માણાવદર અને વંથલી પંથકમાં નોંધાયો હતો. જ્યારે માળિયા હાટીના તાલુકામાં ચાર ઇંચ પાણી પડ્યાનો નોંધાયું હતું.
જુનાગઢ શહેરમાં દોઢ ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો આંક વધીને ૨૪ ઇંચ ઉપર પહોંચ્યો છે.
મેંદરડા અને કેશોદ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ વર્ષે વરસાદમાં પાછળ રહેલા માંગરોળ તાલુકામાં પણ મંગળવારે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ ભેસાણ તાલુકામાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસતા ૮ મીમી પાણી પડ્યું હતું.
આમ ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ૨૭ ઇંચ મેઘ કળપા થતા મોસમનો કુલ વરસાદ ૨૧૫ થયો હતો. જિલ્લામાં મોસમનો સૌથી વધુ ૩૦ ઇંચ વરસાદ સાથે વિસાવદર તાલુકો અગ્રેસર રહ્યો છે. ટકાવારીની દૃષ્ટિએ સમગ્ર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૫૩.૩૫ ટકા થઈ ચૂકયો છે. દરમ્યાન આજે સવારે જૂનાગઢમાં સૂર્યનારાયણના દર્શન સાથે વાતાવરણ એકંદરે સામાન્ય રહ્યું હતું પરંતુ બફારો થઈ રહ્યો હોય મંગળવારની જેમ બપોર બાદ મેઘરાજા જમાવટ કરે તેવું જણાઈ રહ્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
