News of Thursday, 11th July 2024
કાલે ધોરાજીનાં ચાપાતરમાં ભાદર - ૨ ડેમ હેઠળના પુનઃ સ્થાપિત ૮૫ પરિવારજનોને સુધારેલી સનદ વિતરણ કાર્યક્રમ યોજાશે
કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે : ધોરાજી પાલિકામાં સમાવેશ થતા પરિવારજનોને સરકારી યોજનાકીય લાભો મળી શકશે : ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ

રાજકોટ તા. ૧૧ : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં કાલે તા.૧૨ને શુક્રવારે સવારે ૯ કલાકે ચાપાતર તાલુકો ધોરાજી ખાતે ભાદર-૨ ડેમ સિંચાઈ યોજનાના ગામે પુનઃવસવાટ કરાયેલા ૮૫ જેટલા પરિવારોને સુધારેલી સનદ વિતરણનો કાર્યર્ક્મ યોજાશે.
ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું છે કે, વર્ષ ૧૯૯૬ માં બનેલી ભાદર-૨ સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા ૮૫ જેટલા પરિવારની પુનઃવસવાટની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેઓની સનદમાં ભૂખી ગામ લખવામાં આવ્યું હતું. પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે. ગ્રામજનોને સનદમાં ધોરાજી શહેર લખી આપવામાં આવે તો તેઓને સરકારી સહાય અને સુવિધા મળી શકે, આ બાબત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના ધ્યાને આવતા તેઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી.
પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા આ રજુઆતને ધ્યાને લઈ વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલી સનદ કે જેમાં ધોરાજી શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું વિતરણ મંત્રી દ્વારા કરવામાં આવશે. જેથી આવનારા સમયમાં ૮૫ જેટલા પરિવારોને ધોરાજી નગરપાલિકા વિસ્તારના લાભો મળવા પાત્ર થશે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
