News of Thursday, 18th July 2024
વી.સી.ટેક હાઈસ્કૂલમાં વર્ગ-૨ના આચાર્યની નિમણૂક
૫ વર્ષથી ખાલી પડેલી આચાર્યની જગ્યા અંતે ભરવામાં આવી : ધારાસભ્ય સફળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮ : મોરબી તાલુકામાં આવેલી ધ વી.સી.ટેક. હાઈસ્કૂલ ૧૦૦ વર્ષ કરતા વધુ જૂની મોરબીની આન, બાન અને શાન એવી એકમાત્ર સરકારી શાળા છે. જેમાં છેલ્લા ૫ વર્ષથી રેગ્યુલર વર્ગ-૨ના આચાર્યની જગ્યા ખાલી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયાની રજૂઆત બાદ ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ હાઈસ્કૂલમાં મોરબીના ઓરપેટના સંસ્થાપક ઓ.આર.પટેલ, શિક્ષક તરીકે ફરજ બજાવી છે, ડો.જ્યંતીભાઈ ભાડેસીયા, ડો.સતિષભાઈ પટેલ જેવા અનેક ડોકટર તેમજ મોરબી પંથકની અનેક ગણ્ય માન્ય મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે અને આજે જેમાં ધો.૯ થી ૧૨ના ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટા ભાગના સરકારી કાર્યક્રમો આ સ્કૂલમાં થાય છે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને વ્યવસ્થાપન આ સ્કૂલમાંથી થાય છે.
ઈન્ચાર્જ આચાર્ય અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ઈન્ચાર્જના પણ ઈન્ચાર્જ આચાર્યથી વી.સી.હાઈસ્કૂલનો વહીવટ ચાલતો હતો. છેલ્લા પાંચ વર્ષથી આ હાઈસ્કૂલમાં રેગ્યુલર વર્ગ-૨ ના આચાર્યની જગ્યા ખાલી હતી. હાઈસ્કૂલમાં વર્ગ-૨ના અને હાલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે વિષય નિષ્ણાંત ભદ્રસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ વી.સી.હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતા કાંતિભાઈ અમળતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો અને શિક્ષણ વિભાગનો સમગ્ર વી.સી.હાઈસ્કૂલ પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
