News of Monday, 22nd July 2024
સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચથી વધુ ખાબક્યો
માણાવદરમાં 8 ઈંચ, પલસાણામાં 6.5 ઈંચ, વિસાવદર અને બારડોલીમાં 6-6 ઈંચ, માળિયાહાટીના, દ્વારકા અને ઉપલેટામાં 5.5 ઈંચ વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળ્યું છે. ત્યારે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના માણાવદરમાં 8 ઈંચ, સુરતના પલસાણામાં 6.5 ઈંચ, જૂનાગઢના વિસાવદર અને સુરતના બારડોલીમાં 6-6 ઈંચ, જૂનાગઢના માળિયાહાટીના, દ્વારકા અને રાજકોટના ઉપલેટામાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના કામરેજમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં પોણા પાંચ ઈંચ અને વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંડવી અને વલસાડના વાપીમાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદરના કુતિયાણા અને સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ વરસાદને લઈ સર્જાયેલી પરિસ્થિતિનો તાંગ જણાવ્યો છે. તેમણે કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં આજે માણાવદર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે માણાવદર તાલુકામાં 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, બાટવા ગામમાં વધુ વરસાદ પડવાથી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા.હતા
વરસાદથી જન જીવન પર થયેલી અસરને લઈ કલેક્ટરે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે જિલ્લાના ઘેડ વિસ્તારના 76 જેટલા રસ્તાઓ બંધ થયા છે. સાત તાલુકાના 48 ગામો સંપર્ક વિહોણા થયા છે. માણાવદર તાલુકાના 22 ગામો અને માંગરોળ તાલુકાના 15 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા છે. વધુમાં કહ્યું કે, ભારે વરસાદને લઈને 26 જેટલા એગ્રી ફિડરો બંધ કરાયા છે. પાણી ઓસરતા પીજીવીસીએલ ફીડરો ચાલુ કરવાની કામગીરી હાથ ધરશે. જિલ્લામાં 19 ડેમમાંથી 14 ડેમ ઓવરફ્લો થતાં 86 જેટલા ગામોને એલર્ટ કરાવવામાં આવ્યા છે.
જિલ્લામાં આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા તેમજ તાલુકામાં તમામ સ્ટાફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે તેમ અનિલ રાણાવસીયાએ જણાવ્યું છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
