<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

પોરબંદરમાં વરસાદના પાણી નિકાલના જટીલ પ્રશ્નનું

કારણ પાલીકા દ્વારા આડેધડ અપાયેલી બાંધકામ મંજુરીઓ

મુખ્‍ય પાણી નિકાલની જગ્‍યા ઉપર બની ગયેલા પાકા રસ્‍તાઓ, વિવિધ સમાજની વંડીઓ બગીચાઓઃ ડો. મનસુખભાઇ આ પ્રશ્ન કેન્‍દ્રમાં લઇ જઇને ઉકેલ લાવે તેવી માંગણી : પાણી નિકાલ બાબતે અર્જુનભાઇ મૌન

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૬: શહેરમાં ઠેર-ઠેર વરસાદના ભરાયેલા પાણી નિકાલ માટે તંત્ર ઉંધા માથે થયું છે. મુખ્‍ય ગટરોની સફાઇ કરાવવા છતાં હજુ પાણી ભરાવવાનો પ્રશ્ન યથાવત છે. વર્ષોથી શહેરમાં વરસાદના પાણી ભરાવવાના પ્રશ્નથી લોકોના જીવ ઉપર જોખમ પાછળ પાલીકા દ્વારા જે તે સમયે બાંધકામોની આડેધડ મંજુરીઓ હોવાનું મનાઇ રહયું છે.

પાલીકાના અણઘડ વહીવટમાં જે તે સ્‍થળે એનકેન પ્રકારે બાંધકામ મંજુરીઓને છુટો દોર અપાયો હતો. જેના કારણે રણ વિસ્‍તાર વરસાદના પાણીનો નિકાલ અટકી જાય છે અને આ પાણી શહેરમાં રેલાવા લાગે છે.

પોરબંદરના વિકાસ માટે પ૪૦૦ કરોડ વપરાયાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આ કરોડોના ખર્ચા સામે વિકાસ કામો દેખાતા નથી. ભાજપ શાસીત નગરપાલીકા આ રકમ કયાં કેવી રીતે વપરાય ? તે અંગે ખુલાસા કરે તે જરૂરી છે. શહેરમાં નવા રોડ ગટરો બને અને થોડા વખત પછી ફરી આ રોડ પાઇપ લાઇન કે ગટર લીકેજને કારણે તોડવામાં આવે છે. રોડ બનાવવા પુર્વ આયોજન થતુ નથી. આડેધડ રોડ બનાવાય છે. નવા રોડ, ગટરો બનાવવા અને કેટલોક વખત પછી તોડવા આવો ક્રમ આખુ વરસ ચાલે છે તેમ નજરે જોનારાઓ કહે છે.

રૂપાળી બાગ નજીક ફુટપાથ ઉપર પાલીકાએ બાંકડા અને સુશોભન માટે વૃક્ષ વાવ્‍યા હતા. જે હટાવી નાખ્‍યા છે. નજીકમાં પાથરણા પાથરીને ધંધો કરતા નાના શ્રમજીવીઓને એક વીઆઇપીની સુચનાથી તગેડીને રોજગારી ઝુંટવી લીધી છે તેવી ફરીયાદો છે.

ભુતકાળમાં નગરપાલીકાના પ્રમુખપદે નિરક્ષર મહિલાને બેસાડી દેવાય છે. આ મહિલા પ્રમુખ માત્ર આવડે તેવી સહી કરવાનું કામ કરતા હતા. શાસનમાં વહીવટ અન્‍ય કોઇ ચલાવતા હોવાની તે સમયે ચર્ચા ઉપડી હતી. નગર પાલીકાના મનસ્‍વી વહીવટમાં એક વીઆઇપીની ડખલગીરી તેમજ પિતા-પુત્રના નામ જમીન વિવાદમાં આવ્‍યા હતા. જે તે સમયે સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવીયાએ તંત્રમાં અનેક વખતે રજુઆતો કરી હતી. છતાં તંત્ર આ પ્રશ્ને બેધ્‍યાન રહે છે.  જોયુ ના જોયુ કરવામાં આવે છે.શહેરમાં વરસાદના પાણી નિકાલનો જટીલ પ્રશ્ન સાંસદ ડો.મનસુખભાઇ માંકવીયા કેન્‍દ્ર સુધી લઇ જાય અને પાણી નિકાલનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી થઇ રહી છે. શહેરમાં પાણી નિકાલ પ્રશ્ને ધારાસભ્‍ય અર્જુનભાઇ મૌન જાળવી ગયા છે.

(11:50 AM IST)