<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પેવિંગ બ્લોકની થયેલ કામગીરીની તટસ્થ તપાસ કરવા પરેશભાઈ ધાનાણીની માંગણી

નગરપાલિકાના સદસ્ય સેજલબેન સોલંકી તરફથી થયેલ રજૂઆત સંબંધે વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતાની ગાંધીનગરમા કમિશ્નર (વહિવટ) મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીને રજૂઆત

રાજકોટ તા.૨૬ :  ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ ગુજરાત રાજ્યના ગાંધીનગર સ્થિત  કમિશ્નરશ્રી (વહિવટ) મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની કચેરી,બ્લોક ૧/૪, બી-૨ વિંગ, કર્મયોગી ભવનને પત્ર પાઠવીને અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પેવિંગ બ્લોકની થયેલ કામગીરીની તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.

           ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે અમરેલી નગરપાલિકાના સદસ્ય સેજલબેન સોલંકી તરફથી આપને તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ વિગતવાર પત્ર લખી રજૂઆત કરેલ છે.

     જેમા સદસ્યાએ રજુઆત કરી છે કે,અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બ્લોક રોડ બનાવવામાં આવેલ છે. પરંતુ ખુબજ નબળી કક્ષાનુ કામ કરેલ હોવાનાં લીધે તમામ બ્લોક રોડ તુટી ગયેલ છે. તે બાબતે વિગતવાર મુદ્દાઓ સાથે તપાસ કરવા અવાર નવાર જણાવેલ પરંતુ કોઇ કારણસર તેની તપાસ થતી નથી. લોકોની સગવડ/સુખાકારી વધારવા સરકારી નાણાનો ઉપયોગ કરવા છતાં ઠેકેદારો દ્વારા કરવામાં આવેલ નબળી કામગીરીના કારણે લોકોને ખુબજ અગવડતા પડી રહેલ છે અને સરકારી નાણાનો વ્યય થયેલ છે. આમ સ્થાનિક કક્ષાએથી અમારી રજુઆત સંબંધે કોઇ કાર્યવાહી ન કરીને ઠેકેદારોની તરફેણ કરવામાં આવી રહેલ છે. જેથી આપને રજુઆત કરેલ છે.   

            પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે મારો પણ અમરેલી મતવિસ્તાર હોવાના નાતે પુર્વ વિરોધપક્ષનાં નેતા તરીકે આપને વિનંતી છે કે તમામ બ્લોક રોડની કામગીરી બાબતે તટસ્થ એજન્સી મારફતે તપાસ કરાવી અને જવાબદારો સામે નાણા વસુલાત તથા શિક્ષાત્મક, દંડનિય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સહ ભલામણ

ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ કરી છે. 

(4:01 PM IST)