<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કાલે ૨૭ જુલાઈ વિશ્વ મેંગ્રુવ (ચેર ) દિવસ : મેંગ્રુવ કવરમાં ગુજરાત બીજા નંબરે: ગુજરાતમાં ૧૧૭૫ ચો. કીમીમાં છે મેંગ્રુવનું વન કવર : અન્ય વન કરતા મેંગ્રુવના વનમાં ૧૦% ગણી કાર્બન ડાયોક્સાઈડ સંગ્રહ કરવાની શક્તિ : દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે; માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો વિગેરે જેવી ૧૫૦૦ થી વધુ દરિયાઈ જીવ સૃષ્ટિનું આશ્રય સ્થાન

મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામની સ્કૂલમાં વિશ્વ મેંગ્રુવ દિન ઉજવાયો

 મોરબી તા.૨૬ 

 મોરબી વન વિભાગની ચેર રેંજ  દ્વારા માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં વિશ્વ મેંગ્રુવ (ચેર ) દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.

 આ પ્રસંગે મેંગ્રુવ બાબતે સ્કૂલના વિદ્યાર્થીઓ, દરિયાઈ વિસ્તારોની આસપાસ આવેલ ગામોના સરપંચો, મીઠા ઉદ્યોગકારો વિગેરેને મેંગ્રુવ - ચેર વૃક્ષોના લાભોની સમજ આપવામાં આવી હતી. મેંગ્રુવ (ચેર ) વૃક્ષ સંરક્ષણ કરવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મોરબી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ મેંગ્રુવ અવેરનેશ બાબતની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવેલ.

      ઉપરોક્ત મેંગ્રુવ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ચેર રેંજ મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી સી. જી. દાફડા તેમજ અન્ય ફોરેસ્ટ સ્ટાફ, GPCB મોરબીના અધિકારીશ્રી સોની તેમજ અન્ય પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, મીઠા ઉદ્યોગકારો, સ્કૂલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં સૌએ સાથે મળી વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

ગુજરાતમાં મેંગ્રુવ-ચેર વન આવરણ

પશ્ચિમ બંગાળ પછી મેંગ્રુવ કવરમાં ગુજરાત બીજા નંબરે આવે છે, જે એક ગૌરવની બાબત છે, ગુજરાતમાં કચ્છના અખાત, ખંભાતના અખાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેંગ્રુવના કવર આવેલા છે. ગુજરાતમાં અંદાજિત ૧૧૭૫ ચો. કીમી.માં મેંગ્રુવનું વન કવર આવેલું છે. 

મેંગ્રુવ વનના ફાયદા

મેંગ્રુવએ દરિયા તથા જમીનની વચ્ચે આવેલ એક ગ્રીન વોલ છે, જે ધોવાણ અટકાવે છે, કુદરતી આફતો જેવી કે ત્સુનામી, વાવાઝોડા સામે રક્ષણ આપે છે, દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે. વિવિધ પ્રજાતિઓ જેવી કે, યાયાવર પક્ષીઓ, માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો વિગેરે જેવી લગભગ ૧૫૦૦ પ્રજાતિઓને રહેઠાણ (આશ્રય ) પૂરો પાડે છે. અન્ય જમીન પરના વનો કરતા મેંગ્રુવની કાર્બન સંગ્રહ ક્ષમતા લગભગ ૧૦ ગણી વધુ હોય છે, એટલે કે એક ચો.કીમીમાં આવેલ મેંગ્રુવ વનએ જમીન પર આવેલ ૧૦ ચો કીમી વન જેટલો કાર્બનનો સંગ્રહ કરે છે, આ ઉપરાંત દુષ્કાળના સમયમાં પણ મેંગ્રુવ માલઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે.(- પારુલ આડેસરા- માહિતી ખાતુ - મોરબી-રાજકોટ)

(7:14 PM IST)