<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 09 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો

કુલ 11 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો જેમાંથી 09 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

જામનગર:મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી મળેલ સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ''જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમનું દર મહિને આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તારીખ 25/07/2024 ના રોજ જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા કલેકટરએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળેલી હતી અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કર્યું હતું. જમીન માપણી, ચેકડેમ રીપેરીંગ, શૌચાલય નિર્માણ, વિવિધ તાલુકામાં રસ્તા રીપેરીંગ, સફાઈ કામગીરી, જમીન સંપાદન વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કુલ 11 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી 09 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ 02 પ્રશ્નોનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
   ઉપરાંત કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા, જામનગર તાલુકા વિકાસ અધિકારી, જામનગર શહેર મામલતદાર સુશ્રી વીરલ માકડીયા, જામનગર મહાનગર પાલિકાના અધિકારીગણ, જે-તે સંબંધિત વિભાગ અને કલેકટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમ અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(9:59 PM IST)