<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ઘોઘાના પીપરલા ગામે અગાઉના ઝઘડાની દાઝ રાખી કૌટુંબિક ભાઇ અને ભત્રીજાએ તલવારના ઘા ઝીંકી હત્‍યા કરી

તલવારના ઘા ઝીંકી આધેડની હત્‍યાનો બનાવ ભાવનગરના પીપરલા ગામે બનવા પામ્‍યો છે.

(મેઘના વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર તા.૨૯ :  ઘોઘા તાલુકાના પીપરલા ગામમાં રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા ઉ. વ. ૫૫.  દૂધ ભરીને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્‍યારે પીપરલા ટાણા રોડ પર સ્‍કૂલ પાસે તેમના કૌટુંબિક ભત્રીજા મેહુલ નાનુભાઈ બારૈયા અને તેના પિતા નાનુભાઈ બારૈયાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને અને મેહુલ બારૈયાએ તલવાર વડે હુમલો કરી માથામાં આડેધડ તલવારના ઘા મારતા વેલજીભાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.

આરોપી નાનુભાઈ બારૈયાએ પણ વેલજીભાઈને ઇજાઓ પહોંચાડતા આ બનાવના પગલે ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેલજીભાઈ બારૈયાને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્‍પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઘોઘા પોલીસ સ્‍ટેશનનો કાફલો ઘટના સ્‍થળે ધસી ગયો હતો.  આ બનાવ અંગે ઘોઘા પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(10:45 AM IST)