News of Monday, 29th July 2024
ધોરાજીથી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગોની હાલત કફોડી
જૂનાગઢ રોડ પર સામાજિક કાર્યકરોએ ખાડા-બુરી તંત્રનું નાક વાઢયું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૯: ધોરાજી શહેરમાં વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મુખ્ય ધોરીમાર્ગો પર દોઢથી બે ફૂટના ખાડા પડી જવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મોટી પરબડી અને તોરણીયા તરફ જતા જુનાગઢ રોડની હાલત કફોડી છે ત્યારબાદ જમનાવડ પીપળીયા ગામ તરફ જતા જમનાવડ રોડ પર રસ્તાની હાલત મગરમચ્છની પીઠ સમાન બની ચૂકી છે. ભોળા છાડવાવદર અને ભોલગામડા તરફ જતા ઉપલેટા રોડની હાલત અત્યંત ખરાબ છે. ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે તમામ માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગની આંખે પાટા બાંધ્યા હોય તે પ્રકારે તંત્રને ધોરાજીની હાલત નજરે પડતી નથી.
બીજી તરફ ધોરાજીના રોડ રસ્તાની કફોડી હાલત અને તંત્રની નિષ્ક્રિયતા સામે યુવા અગ્રણી આશિષ જેઠવા અને યુવા મિત્રો દ્વારા જાત મહેનત કરી સ્વખર્ચે જુનાગઢ રોડ પર ખાડા બુરી તંત્રનું નાક વાઢી લીધું હતું.
આશિષ જેઠવાએ જણાવેલ કે ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ પણ ચાલી શકતી નથી અન્ય વાહન ચાલકોની પણ મુશ્કેલી પડે છે ખાસ કરીને ઇમરજન્સી રિફર થતા દર્દીઓ માટે જુનાગઢ રોડ પરના ખાડા ખૂબ મુશ્કેલી જનક રહેતા હોય છે જેથી અમે માત્ર સામાજિક સેવાના હેતુસર જુનાગઢ રોડના ખાડા સ્વ ખર્ચા અમારી ટીમ દ્વારા જાતે પૂરી નાખ્યા છે.
તંત્ર દ્વારા સત્વરે રીપેર કરવામાં આવે અથવા નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવી તેવી માગણી પ્રબળ બની રહી છે આવા સંજોગોમાં રાજકીય મહાનુભાવો પણ પ્રજા વચ્ચે આવવાનું ટાળતા હોય અને સંતાકૂકડીની રમત રમતા હોય તેવું ચૂંટાયેલા પ્રતિનિધિઓનું વલણ જનતા જનાર્દન જોઈ રહી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
