<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પોરબંદરમાં અસરગ્રસ્‍તોને રાહત માટે સરકાર દ્વારા અવિરત કામગીરીઃ કુંવરજીભાઇ

જિલ્લાના પ્રભારી કુંવરજીભાઇ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીમાં સમીક્ષા બેઠકઃ ગંદકી દૂર કરીને કલોરિનેશન અને દવા છંટકાવ કરવા માર્ગદર્શન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯: કુદરતી આફતના અસગ્રસ્‍તોને રાહત મળે તે માટે સરકાર દ્વારા અવિરત કામગીરી ચાલી રહ્યાનું જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રીકુંવરજીભાઇ બાવળીયાએ કલેકટર કચેરીએ સમીક્ષા બેઠકમાં જણાવ્‍યું હતું.

પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં અતિ ભારે વરસાદની સ્‍થિતિમાં ચાલી રહેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પોરબંદર શહેરમાં પાણી ઉતારતા ગંદકી દૂર કરી સફાઇ, કલોરીનેશન, દવા છંટકાવ અને સ્‍વચ્‍છતા ઝુંબેશ કરીને રોગચાળો અટકાવવા મંત્રીશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.

જળસંપતિ અને પાણી પુરવઠા, અન્‍ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમીક્ષા બેઠકમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદમાં કરવામાં આવેલ રાહત બચાવ કામગીરી અંગે વિસ્‍તૃત જાણકારી કલેકટર કે. ડી. લાખાણીએ આપી હતી. પોરબંદર જિલ્લામાં છેલ્લા ૪૦ વર્ષમાં આ વખતે સૌથી વધુ વરસાદ પડયો છે. પોરબંદર શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલી કામગીરી અને હાલ કાદવ કીચડ ઉપાડી આરોગ્‍ય લક્ષી સર્વેની થઇ રહેલી કામગીરી અને બનાવવામાં આવેલી ટીમોની પણ માહિતી કલેકટરશ્રીએ આપી હતી. પોરબંદર શહેરની જુની સાંઢીયા ગટર ખુલી કરીને કરવામાં આવેલ આયોજન અને બિરલા ફેકટરી પાસે પાણીના નિકાલ માટે કરવામાં આવેલ તાકીદની કામગીરી અને પંપ મૂકીને પાણીના નિકાલની વ્‍યવસ્‍થા અંગે પણ કલેકટરશ્રીએ માહિતગાર કર્યા હતા.

સમગ્ર પરિસ્‍થિતિનો ચિતાર મેળવ્‍યા બાદ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભારે વરસાદની સ્‍થિતિ પગલે નાગરિકોની સલામતી ધ્‍યાને લઇ રોગચાળો ફેલાતો અટકાવવા માટે અગમચેતીના પગલા લેવા ગ્રામ્‍ય વિસ્‍તારના માર્ગો ત્‍વરિત સમારકામ કરવા તથા સ્‍વચ્‍છતા ઝુંબેશ હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા અને પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ પણ જરૂરી સૂચનો કર્યા હતા અને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.

સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠકકર, એસપી ભગીરથસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અગ્રણી શ્રી પંકજભાઇ મજેઠીયા, અશોકભાઇ મોઢા તેમજ વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:08 PM IST)