તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
નરેન્દ્રભાઇએ નાણાનાં અભાવે વિકાસ ન અટકે તેવુ આયોજન કર્યુ : ભુપેન્દ્રભાઇ પટેલ
જુનાગઢમાં મુખ્યમંત્રીની વચર્યુઅલ અને રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૩૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢવાસીઓને રૂ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતળત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહિ તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક પેડ માં કે નામ' ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા ૨૫,૦૦૦ વળક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.
કળષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂ. ૩૯૭.૭૮ કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.
મેયર ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ, મનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો.મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કળષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ, દંડક અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબરી, અગ્રણી સર્વશ્રી પ્રદીપ ખીમાણી, ભરત ગાજીપરા, મનન અભાણી, વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-મુકેશ વાઘેલાઃ જુનાગઢ)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
