News of Wednesday, 31st July 2024
ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે સ્વર્ગ સમાન દિસે છે ઓસમ પર્વત
રાજકોટ જિલ્લાનું અનોખુ હિલ સ્ટેશન - ઓસમ : ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો : વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓઃ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં: પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો ઓસમ પર્વત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘એડવેન્ચર સ્પોર્ટસ'' તરીકે પ્રતિ વર્ષ યોજાતી ‘‘ઓસમ આરોહર અવરોહણ સ્પર્ધા'' માં સ્પધર્કો સર કરે છે ૫૮૫ પગથિયાં ૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે આવેલા ‘માત્રી મા'ના મંદિરનો મહાભારતમાં ઉલ્લેખઃ પ્રતિ વર્ષ ભાદરવી પૂનમે અહીં ‘લોકમેળા'યોજાય છે

રાજકોટ તા.૩૧ : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ પર્વત... આ સીઝનમાં અહી અત્યાર સુધી ૩૫ ઈચ જેટલી મેઘ કળપા થતાં આ વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી... પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે... ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ... પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં... તળેટીથી લઈ પર્વત આસપાસ ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે ઓસમ પર્વત સ્વર્ગ સમાન દીસે છે અત્યારે તો! ને આ સૌંદર્યને નિહાળવા, તેનો આનંદ અનુભવવાની અનેરી તક છે. ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોમાં ધસારો થઇ રહયો છે.
રાજકોટ જિલ્લામાં બે જ સ્થળોએ પર્વત છે. એક ઓસમ બીજો હિંગોળગઢ... હિંગોળગઢ એક નાનો વનપ્રદેશ-પ્રકળતિ અભયારણ્ય છે. એટલે ત્યાં જવું થોડું મુશ્કેલ. રાજકોટ જિલ્લામાં ઓસમ જ એક માત્ર પર્વત જ્યાં સરળતાથી જઈ શકાય.
પ્રવાસન સ્થળનું બ્યુટિફિકેશન - અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે. તેથી રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે અહીં બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે. પર્યટકો અને શ્રદ્ધાનું માટે સેલ્ફી પોઇન્ટ, સીટીંગ એરેન્જમેન્ટ વગેરેની સુવિધાઓ પણ ઊભી કરી છે. જેથી અહીંના પ્રવાસનને વેગ મળ્યો છે.
એડવન્ચર સ્પોર્ટસ - હરિયાળી આચ્છાદિત આ હિલ સ્ટેશન કુદરતના સાનિધ્યમાં અસંખ્ય સાહસિકો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાતી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રતિવર્ષ ભાગ લઈ સાહસમાં વધારો કરતા હોય છે. પર્વતના ૫૮૫ પગથિયાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવન્ચર સ્પોર્ટસ તરીકે પણ આ સ્થળનો વિકાસ કર્યો છે.
ધાર્મિક મહત્વ - આ સ્થળ કુદરતી સૌંદર્યની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક પણ છે. ૬૩૫ એકર વિસ્તારનો ફેલાવો અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા પર્વતની ટોચે માત્રી માતા બિરાજમાન છે. આ ઓસમ ડુંગરનો હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોવા લાખો પર્યટકો આવી આનંદિત થતાં હોય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, ભીમકુંડ, હીડંબાનો હિચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ઓસમ ડુંગરની શિલાઓ સપાટ અને લીલી હોવાથી ભૂતકાળમાં એક સમયે તે માખણીય પર્વત તરીકે ઓળખાતો હતો. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.
લોકમેળો- અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળો પણ યોજાય છે. જેમાં લાખો લોકો મેળાની મજા લૂંટવા આવતા હોય છે. અંદાજે ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીદિવસીય લોકમેળો ભરાય છે. ગત વર્ષે પણ તા.૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા.
-: આલેખન :-
પારૂલ આડેસરા
સહાયક માહિતી નિયામક, રાજકોટ - મોરબી
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
