News of Monday, 5th August 2024
આટકોટના પાટીદાર સંમેલનમાં પાટીદાર પીડીતાને ન્યાય અપાવવા કેમ ચર્ચા ન થઇ?

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૫ : શનિવારે આટકોટની ડી.બી. પટેલ કન્યા છાત્રાલય ખાતે જસદણ વિછીયા તાલુકાના પાટીદાર પરીવારના સંમેલન અને ચિંતન બેઠકમાં દુષ્કર્મની પીડિતા પણ પાટીદાર સમાજની હોય તેને ન્યાય અપાવવા કેમ કોઈ ચર્ચા ન થઈ તેવો પ્રશ્ન આ પંથકના નિષ્પક્ષ પાટીદાર લોકો પૂછી રહ્યા છે.
આટકોટની છાત્રાલયમાં અભ્યાસ કરતી એક છાત્રા ઉપર દુષ્કર્મની ઘટના બની હતી જેણે સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા અગાઉ આગેવાનોની મિટિંગ બાદ શનિવારે છાત્રાલય ખાતે જ પાટીદાર સંમેલન અને ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી.
આ ચિંતન બેઠકમાં ધીમે ધીમે વરસતા વરસાદમાં પણ સમાજના ભાઈ બહેનો બેઠા રહ્યા હતા આ બેઠકમાં ભરતભાઈ બોઘરા અને દોઢ મહિના પહેલા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સુરત સ્થિત પાટીદાર સમાજના ભામાશાઓના કહેવાથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળનાર હરેશભાઈ પરવાડીયાનેજ બોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બની ગયું તેની ન્યાયિક રીતે તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા ઉપર ભાર મૂકયો હતો.
આ પાટીદાર સંમેલનમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણીયા, મનસુખભાઈ રામાણી, મુન્નાભાઈ સોજીત્રા, નરેશભાઈ દરેડ, મનસુખભાઈ હિરપરા, ગજેન્દ્રભાઈ રામાણી, ધીરુભાઈ રામાણી જુદા જુદા ગામના સરપંચો,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
