News of Monday, 5th August 2024
ગુજસીટોક કેસમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર, તેના ૨ પુત્ર, ભાણિયો સહિત ૪ શખ્સ ૩ દિવસના રિમાન્ડ પર
ગુનાહિત પ્રવૃત્તિથી મેળવી લીધેલ મિલકત અંગે આરોપીઓની તપાસ : પૂછપરછ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૫ : જૂનાગઢમાં નોંધાયેલા ગુજસીટોક કેસમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત ૪ શખ્સને ૩ દિવસનાં રિમાન્ડ મેળવી વધુ ગુનાહિત માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ, પૂછપરછ સઘન હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં ગેંગ બનાવીને ગુનાહિત પ્રવળત્તિઓ આચરતી ગેંગના મુખ્ય સૂત્રધાર રાજુ બાવજી સોલંકી, તેના બે પુત્રો દેવ રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી તથા તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે શનિવારે ગુજસીટોક કાયદા તળે કાર્યવાહી કરાઈ હતી. અને જયેશ સોલંકી જેલમાં હોય અન્ય ૪ આરોપીની ધરપકડ થતાની સાથે માંગરોળના ડીવાયએસપી દિનેશ કોડીયાતરે તપાસ સંભાળી મોડી સાંજે ચારેયનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. દરમ્યાન રવિવારે નાયબ પોલીસ અધિક્ષક ડી. વી. કોડીયાતરએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીઓને રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
જોકે અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે આરોપીઓને સાથે રાખી પંચનામુ, નિવેદન સહિતનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સાથે રાજુ સોલંકીની ગેંગનો ભોગ બનેલા લોકોનાં નિવેદન નોંધવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે. આરોપીઓએ આચરેલા ગુના ઉપરાંત અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તપાસનીશ ડીવાયએસપી ડી. વી. કોડીયાતરે જણાવ્યું હતું કે, ગુજસીટોક હેઠળ રાજુ સોલંકી સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં શખ્સની ધરપકડ કર્યા બાદ રવિવારે ચારેયને કોર્ટમાં રજૂ કરીને ૫ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવેલ છે. ૫મો આરોપી જયેશ ઉર્ફેદ જવો બાવજીભાઈ સોલંકી હાલ હત્યાની કોશિશના ગુનામાં જેલહવાલે છે. ૪ આરોપીના રિમાન્ડ પૂરા થયા બાદ જયેશ ઉર્ફે જવોને ગુનાના કામે જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરવામાં આવશે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
