News of Thursday, 8th August 2024
કાલે મોરબીમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભઃ ૩૦૦ કિ.મી.ની પદયાત્રા
૧૧ મીએ સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમઝોન ખાતે સંવેદના સભા : ૧૦૦ પદયાત્રિકો કાયમી સાથે રહેશેઃ રાજ્યની વિવિધ દુર્ઘટનાના પિડીત પરિવારો પણ જોડાશેઃ ગાંધીનગરમાં સમાપન થશે

(જયેશ ભટ્ટાસણા-પ્રવિણ વ્યાસ દ્વારા) ટંકારા-મોરબી,તા. ૮: જુદી-જુદી દુર્ઘટનાઓમાં પિડીત પરિવારોને ન્યાય આપવાની માંગ સાથે કાલે સવારે મોરબીથી પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભયમુકત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઇડ કાંડ, તક્ષશિલા આગ કાંડ, બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભૂમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે ત્યારે દોષિતોને સજા-પીડિતાોને ન્યાયની લડાઇ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટથી મોરબી ખાતેથી શરૂ થશે. જેમાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે.
કોંગ્રેસ પક્ષની ગુજરાત ન્યાય યાત્રા મોરબી-ટંકારા-રાજકોટ-ચોટીલા-સુરેન્દ્રનગર-વિરમગામ-સાણંદ-અમદાવાદથી પસાર થઇને ૨૩મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે. આ યાત્રામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભૂમિકા અદા કરી જોડાશે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ આ અંગે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં મોરબીથી તા. ૯ ઓગસ્ટથી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામા રહેશે. પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી સાથે રહેશે.
બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયયાત્રીઓ જે પાંચથી સાત કલાક પુરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઇ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે. ૯ ઓગસ્ટે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા પુલે શરૂ કરવામાં આવશે. તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે. ૧૫ મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમએ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.
મોરબીથી સવારે ૯ વાગ્યે શરૂ કરવામાં આવશે. તારીખ ૧૧ ઓગસ્ટે ટંકારા થઇ રાજકોટ ખાતે સાંજે પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. તારીખ ૧૨ ઓગસ્ટે સવારમાં રાજકોટમાં મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. તારીખ ૧૩ ઓગસ્ટે સુરેન્દ્રનગર જિલ્લાથી ન્યાયયાત્રા પ્રયાણ કરશે. સમગ્ર યાત્રામાં ‘ભાજપના પાપનો ઘડો' રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યારચારની ફરિયાદો પ્રજા આ ઘડામાં નાખશે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું કયાંય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સુતરની આંટીથી જ સ્વાગત કરાશે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
