તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
વડાપ્રધાન અને મુખ્યમંત્રી ઐતિહાસિક સ્થાપત્યોના પુનઃ નિર્માણને વેગ આપી રહ્યા છે : પ્રવિણાબેન
ગ્રામ લોકો આ ઐતિહાસિક ઇમારતને સાચવવા જાગૃત રહે : કલેકટરની ટકોર સણોસરા ખાતે દરબારગઢના પુનઃ નિર્માણ અંગે ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ તા. ૯ : રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા કલેકટર પ્રભવ જોષીના હસ્તે રાજકોટ જિલ્લાની ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુનઃ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આપણા ઐતિહાસિક સ્થાપત્ય અને ઇમારતોના પુનઃનિર્માણના કાર્યને વેગ આપી સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યા છે.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું કે, ૩૦૦ વર્ષ જૂની રજવાડા સમયની ઈમારતના પુનઃ નિર્માણ માટે રાજયસરકારના પ્રવાસન વિભાગે ૨ કરોડ ૭૭ લાખ મંજૂર કર્યા છે. જે રીતે આ દરબાર ગઢના પુનઃ નિર્માણ માટે સૌએ મહેનત કરી છે તેવી રીતે આ ઇમારત મજબૂત બનાવવામાં પણ સૌએ સહકાર આપી જાગૃત રહેવું જરૂરી છે.
આ પ્રસંગે ક્લેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૬થી સણોસરા ગામના જાગૃત લોકોએ આ ઐતિહાસિક ઈમારતને સંરક્ષિત કરવા માટે રજૂઆત કરી હતી, આજે આ વારસાના પુનરુત્થાનનું કામ શરૂ થાય છે ત્યારે આગળ પણ ગ્રામલોકો તેને સાચવવા માટે જાગૃત રહે તેમજ તેના સંરક્ષણ સમયે સહકાર આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિશા ચૌધરી, રાજકોટ તાલુકા અગ્રણી જે.કે. પીપળીયા, તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા, મામલતદાર કે.એચ.મકવાણા, રાજકોટ તાલુકા વિકાસ અધિકારી વી.પી. ચૌહાણ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
