<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મોરબી પાલિકામાં કલમ 45 (ડી) હેઠળ થયેલા કામોની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માગ

પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દ્વારા કરાયેલા કરોડોના કામોની તપાસ કરી રિકવરી કરવા રજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોની તપાસ કરીને રિકવરી કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ નગરપાલિકાના વહીવટદારને લેખિત રજૂઆત કરી છે.


કોંગ્રેસ પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી બાદ ભાજપની મોરબી નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતિ હતી. ત્યારબાદ મોરબી પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી લોકો આજે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલમ 45 (ડી) હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા જુદા-જુદા વોર્ડમાં કરોડોના કામો કરાવવામાં આવ્યા છે. જો કે તે કામ ખરેખર કલમ 45 (ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી આ અંગે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વાપરવામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ તમામ લોકોની પાસેથી કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિકવરી કરવામાં આવે તેવી માગ છે.

સાથે જ કલમ 45 (ડી) હેઠળ કેટલા કામો થયા ? આ બેફામ કામગીરી કોના ઈશારે કરવામાં આવી ? અત્યાર સુધીના કામોનું લિસ્ટ અને ખર્ચની વિગત, ખોટી રીતે થયેલા કામો બાબતે પાલિકાએ શું પગલા લીધા સહિતના પ્રશ્નોના જવાબ પાલિકા પાસેથી માગવામાં આવ્યા છે.

(2:17 PM IST)