<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની જીયારત શુક્રવારે : ગામેગામ મસ્જિદોમાં કુર્આન ખ્વાનીના ધાર્મિક કાર્યક્રમો

સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિ : એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ : અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ : આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ : રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્યે ચા-પાણી-નાસ્તાની સેવકો દ્વારા વ્યવસ્થા કરાઈ : હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન : સાવરકુંડલાએ હસ્તી ગુમાવ્યાનો સૌને અહેસાસ: સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ કાર્યભાર સંભાળશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની જીયારત અંતર્ગત તા.૧૬-૮-૨૦૨૪ શુક્રવારના રોજ ગામેગામ મસ્જિદોમાં કુર્આન ખ્વાનીના ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાઈ રહ્યુ છે.

સાવરકુંડલામાં પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિ કરાઈ હતી. એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી આપી હતી. શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ હતી. અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ રહ્યુ હતુ.આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ હતી. રાત્રીથી સાંજ સુધી વિનામુલ્યે ચા-પાણી-નાસ્તાની સેવકો દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન થયા હતા.

     સાવરકુંડલાએ હસ્તી ગુમાવ્યાનો સૌને અહેસાસ થઈ રહ્યો હતો. સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયાનુ દુ:ખ અનુયાયીઓમાં વિશેષ દ્રષ્ટીગોચર થઈ રહ્યુ હતુ. "બાપુ"ના ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ છે. પ્રખર માનવતાવાદી-કેળવણીકાર પીરે તરીકત સૈયદ દાદાબાપુ ફાની દુનિયાને અલવિદા કરી જતા તેમની અંતિમ યાત્રામાં જોડાઈ સૌએ શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી. આજીવન સેવાના ભેખધારી-નિઃસ્વાર્થ-નિર્વિવાદ એવા દાદાબાપુની ચીરવિદાયથી લાખો અનુયાયીઓ-ચાહકોમાં ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે

   .પ્રખર માનવતાવાદી અને સમાજનો ઉત્કર્ષ જ જેમનો મુખ્ય હેતુ હતો એવા હરદિલ અઝીઝ પીરે તરીકત સૈયદ મુહમ્મદ દાદાબાપુ કાદરી આખરે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા; પરદો કર્યાના સમાચાર વાયુવેગે સર્વત્ર પ્રસરી જતાં સમસ્ત મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને તેમના હજારો અનુયાયીઓએ તે રાત્રિથી જ તેમના વતન સાવરકુંડલાની વાટ પકડી હતી. સાવરકુંડલા ગામ દાદાબાપુના મુરીદો-ચાહકોથી સતત ઉભરાઈ રહ્યું હતુ. સવારે એમની દફનવિધિ થવાની છે એવા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં માનવમહેરામણ સાવરકુંડલા ખાતે ઉમટી પડયો હતો. 

     દીન દુ:ખિયાઓ માટે સતત કાર્યરત, કોમી-એકતાના હિમાયતી, માનવતાની જીવતી જાગતિ મિશાલ સમા આજીવન નિસ્વાર્થ ભાવે સેવાને વરેલી, માનવતાના અસ્ખલિત ઝરણા સમા તેમજ વ્યસનમુકિત જેવી સામાજિક ચળવળના મશાલચી અને લાખો લોકોના હૃદયમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન પીરે તરીકત સૈયદ મોહમ્મદ દાદાબાપુ કાદરી છેલ્લા કેટલાક સમયથી બિમાર હોઈ અમરેલી ખાતે સારવાર હેઠળ હતા. જે આ ફાની દુનિયા છોડી અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા; 

   આ વસમી વિદાયથી સમગ્ર રાજય અને સૌરાષ્ટ્ર સહિત સાવરકુંડલા અને તેમના ભારતભરમાં રહેલા વિશાળ અનુયાયીઓ ઘેરા શોકમાં સરી પડયા હતા. માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ હિંદુ બિરાદરોમાં પણ સંત તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા દાદાબાપુએ દીની અને દુન્યવી નેક કામોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. દીની ક્ષેત્રે એમણે સેંકડો મસ્જિદો અને મદ્રેસાઓનું નિર્માણ મોટા શહેરોથી માંડીને નાના કસ્બાઓ અને છેક કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પણ કર્યું હતું.

  બીજી તરફ સાવરકુંડલા ખાતે તેમજ અન્ય વિસ્તારોમાં દુન્યવી શિક્ષણના મોટા સંકુલની પણ સ્થાપના કરી હતી અને તેમના પ્રયાસોથી દીની-દુન્યવી ક્ષેત્રમાં હજારો તુલબાઓ-વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. શૈક્ષણિક ઈલ્મી ક્ષેત્રે ક્રાંતિકારી કાર્યો કરી  જનારા પીરે તરીકત દાદાબાપુ ખૂબ જસરળ સ્વભાવના નિખાલસ અને નિઃસ્પૃહ સેવાભાવી હતા. સત્કાર્યો પ્રત્યે તેઓ સમર્પિત હતા. સામાજિક ક્ષેત્રે પણ તેમણે ઘણા અમૂલ્ય કાર્યો કર્યા હતા. જેમાં વ્યસનમુકિત અભિયાન થકી સંખ્યાબંધ લોકોને નશાની બદીમાંથી છોડાવ્યા હતા અને સેંકડો પરિવારોની દશા સુધારી હતી. એટલું જ નહી પણ એમણે ઠેકઠેકાણે વિવિધ વિસ્તારોમાં સમાજમાં એક બીજાની પ્રત્યે પ્રવર્તતા મનદુઃખો- મતભેદો મિટાવ્યા હતા અને અનેક પરિવારો લોકો વચ્ચે વરસોથી ચાલ્યા આવતા વેરઝેરને દૂર કર્યા હતા.

   સૈયદ બિરાદરી માટે ભારે સન્માન ધરાવતા દાદાબાપુ આજીવન નિર્વિવાદ રહ્યા હતા અને એમના કરતા એમના કાર્યો વધુ બોલતાં હતા અને આજે પણ એમના કાર્યો સર્વત્ર બોલી રહ્યા છે. રૂહાની પેશ્વા તરીકે તો તેઓ સદાય સમાજ માટે અગ્રેસર હતા જ પરંતુ સામાજિક ચળવળો અને જાગૃતિ બાબતે પણ તેમની વિશાળ દૃષ્ટિ હતી.

    દાદાબાપુ "અકિલા"ના ખૂબ જ ચાહક હતા અને અપાર પ્રેમ-લાગણી ધરાવતા હતા. માનવતાવાદી રાહબર સૈયદ દાદાબાપુના જવાથી સમાજને-માનવતાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. સૌ દુઆ-પ્રાર્થના કરીએએ કે, પાક પરવરદિગાર સૈયદ દાદાબાપુને જન્નતુલ ફિરદોસમાં આલા મુકામ અતા કરે અને એમના પરિવારજનો તેમજ એમના હજારો અનુયાયીઓને સબ્રે જમીલ અતા કરે-આમીન તેવી સૌ દુઆઓ કરી રહ્યા છે.

(1:14 PM IST)