<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

નરેશ પટેલ સાથે વાત થઇ છે, જયેશ રાદડિયા સાથે વાત કરીને ઘીના ઠામમાં ઘી પાડવાની દિશા : દિલીપ સંઘાણી

બે પાટીદાર નેતાઓને સમજાવવાનું બીડુ ઝડપતા ઇફકોના ચેરમેન ગઇ કાલે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં તેજસ્‍વી પાટીદાર વિદ્યાર્થીઓના સન્‍માન કાર્યક્રમમાં શ્રી નરેશ પટેલ અને શ્રી દિલીપ સંઘાણી મંચ પર સાથે હતા તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્‍ટ્રના બે જાણીતા પાટીદાર અગ્રણીઓ વચ્‍ચેના વિવાદને વળાવી સમાધાનના સૂર રેલાવવા ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ પ્રયાસો શરૂ કર્યા છે.

ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્‍ચે શીતયુધ્‍ધ શરૂ થયું હતું અને હવે આ બંને લેઉવા પાટીદાર આગેવાનો વચ્‍ચેનો વિવાદ શાંત પડવાને બદલે વકરી રહ્યો છે. ત્‍યારે આ મુદ્દે હવે સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું કે હું વ્‍યકિતગત મધ્‍યસ્‍થી કરીને બંને નેતાઓને સમજાવીશ અને સમાધાનના પ્રયાસ કરીશ.

દરમિયાન આજે શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે, ગઇકાલે સાંજે હું અને નરેશભાઇ પટેલ એક કાર્યક્રમમાં સાથે હતા. તેમની સાથે પ્રાથમિક વાતચીત થઇ છે. તેમણે સારો પ્રતિસાદ આપ્‍યો છે. હવે જયેશ રાદડિયા સાથે વાત કરીશ. જરૂર પડયે બન્‍નેની સંયુકત બેઠક કરાવાશે. બન્‍ને પોતાના ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે. સમાજ અને રાષ્‍ટ્રના વિકાસ માટે સંપીને સહીયારા પ્રયાસો જરૂરી છે. વિવાદના બદલે હકારાત્‍મક બાબતોનો વધુ પ્રચાર થાય તે જરૂરી છે. બન્‍ને વચ્‍ચે ઘીના ઠામમાં ઘી પડી જવાની મને પૂરી આશા છે.

(3:02 PM IST)