News of Thursday, 22nd August 2024
૫૦૦ ટકા નફાની લાલચમાં જુનાગઢના શેર બજારના ધંધાર્થીને ૨.૫૩ કરોડનો ચુનો
ફેસબુક પર જાહેરાત જોઇને ટીપ્સ આપતા ગ્રુપમાં જોડાયા હતા, આખરે અઢી કરોડ ગુમાવ્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૨: જુનાગઢના જોશીપરામાં આવેલ શંભુનગરમાં રહેતા અને શેર બજારમાં રોકાણ કરતા હરેશકુમાર બાવાભાઈ પોશીયાએ ૫૦૦ ટકા નફાની લાલચે રૂ.૨.૫૩ કરોડ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બારામાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
છેલ્લા દસ વર્ષથી શેર માર્કેટમાં રોકાણ કરતા હરેશ પોશીયાએ ગત તા. ૧લી એપ્રિલ ૨૦૨૪ના ફેસબુકમાં શેર બજારમાં રોકાણ કરી મોટો નફો કેવી રીતે મેળવી શકાય તે અંગેની ટિપ્સ આપતો વિડિયો જોયો હતો.
જે વીડિયોમાં નીચે એપ્લાય અને નો એપ્લાય અંગેની સૂચના લખેલી હતી જેમાં તેઓએ એપ્લાય ઉપર ક્લિક કરતા ડાયરેક્ટ જોઇન્ટ વોટ્સએપ ગ્રુપનું લખાણ જોવા મળતા તેઓએ ત્યાં ક્લિક કરતા તેઓ ટેટ સ્ટ્રીટ કોર્પોરેશન ૫૫૭ નામના અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. કેરી ગોરમલીના એડમિનથી બનેલા એ ગ્રુપમાં અલગ અલગ ત્રણ નંબરો નોંધાયેલા હતા તેમજ તે ગ્રુપમાં ૧૩૬ સભ્યો પણ કાર્યરત જોવા મળ્યા હતા. જે ગ્રુપમાં શેર બજારમાં રોકાણ સહિતની અલગ અલગ વિગતો પીરસવામાં આવતી હતી. જેની અમલવારી કરતા હરેશ પોશીયાએ પોતાના તેમજ ભાઈ, પત્નીના નામે સંયુક્તમાં શહેરની વિવિધ શાખાઓમાં ખોલાવેલા બેંક ખાતાઓમાંથી અલગ અલગ સમયે ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણ કર્યું હતું. જેમને વોટ્સએપ ગ્રુપ દ્વારા વખતો વખત વધુ રૂપિયાનું રોકાણ કરશો તો સામે મોટું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવતા હરેશ પોશીયાએ વધુને વધુ રકમ ઓનલાઈન શેર બજારમાં રોકી નાખી હતી. જોકે, સમય આવે તેમને પરત મળવી જોઈતી રૂપિયા ૨ કરોડથી પણ વધુની રકમ અંગે તેઓએ વોટ્સએપ ગ્રુપમાં સંદેશા વ્યવહાર કરતાં સામેના અજાણ્યા ગ્રુપ એડમિન અથવા અન્ય વ્યક્તિઓ તરફથી બહાનાબાજી સાથે મુદત આપવામાં આવતી હતી.
અંતે યુવાનને તેની સાથે રૂપિયા ૨,૫૩,૪૦,૦૦૦ની છેતરપિંડી થયાનું જણાતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરી અરજી આપી હતી જેના અનુસંધાને ગઈકાલે જુનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
