News of Thursday, 22nd August 2024
વિસાવદર નજીક સાંઢીયાગાળી જંગલ વિસ્તારમાં સિંહે ટ્રેનને સાડા ત્રણ કલાક સુધી રોકી રાખી
દેલવાડાથી મોડી સાંજે આવતી મીટરગેજ ટ્રેન છેક રાત્રે ૧૧ વાગ્યા પછી જૂનાગઢ પહોંચી : મુસાફરો-સગા-સબંધીઓના જીવ તાળવે ચોટી ગયા...

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૨ : વિસાવદર તરફ સાંજે આવતી દેલવાડાથી જૂનાગઢ આવવા મંગળવારે નીકળેલી મીટરગેજ ટ્રેન સાસણથી ઉપડીને વિસાવદર આવતી હતી ત્યારે ગીર અભયારણ્યમાંથી પસાર થતી વખતે સાંઢીયા ગાળી વિસ્તાર નજીક સિંહો ટ્રેક પર આવી ગયા હતા. આથી એન્જીન ડ્રાઈવરે ટ્રેનને રોકી દીધી હતી. સાવજો તો થોડીવારમાંજ ટ્રેક પરથી હટી ગયા હતા. પણ વનવિભાગ અને રેલ્વે વચ્ચે ટ્રેક ક્લિયરન્સને લઈને પ્રક્રિયા લાંબી ચાલી હતી. આથી ટ્રેન કલાકો સુધી જંગલમાંજ ઉભી રહી ગઈ હતી. સાંજે ૫:ે.૫૦ વાગ્યે સાસણથી રવાના થયેલી ટ્રેનની સ્પીડ ધીમી તો હતી જ પણ સાવજો ટ્રેક ક્રોસ કરી રહ્યા હોવાથી ટ્રેન ઉભી રાખવી પડી હતી.
જોકે, એ સ્થળે મોબાઈલ કવરેજ ન હોવાથી લોકો પાયલટ સાસણ કે કાસીયા નેસ સ્ટેશને જાણ કરી શકયો નહોતો. બીજી બાજુ સાસણથી રવાના થયેલી ટ્રેન લાંબા સમય સુધી કાસીયા નેસ સ્ટેશન સુધી ન પહોંચતાં અને સંપર્ક પણ ન થતાં બંને સ્ટેશનનો રેલ્વે સ્ટાફ ટ્રેનને શોધવા માટે નિકળ્યો હતો. ટ્રેન સુધી પહોંચ્યા બાદ લોકો પાયલટે ટ્રેક પર સિંહ હોવાની જાણકારી આપી હતી. ટ્રેન થોડી આગળ ગયા બાદ આ અંગે વનવિભાગને સિંહો ટ્રેક પર આવી ગયાની જાણ કરાઈ હતી. વનવિભાગે ટ્રેક પર તપાસ કર્યા બાદ ટ્રેક ક્લિયરન્સ આપતાં બે કલાક જેવો ૬.૦૫ વાગ્યે જંગલમાં થંભી ગયેલી ટ્રેન છેક રાત્રે ૮.૧૦ રવાના થઈ શકી હતી. રાત્રે ૮.૨૦ વાગ્યે જૂનાગઢ પહોંચતી ટ્રેન છેક રાત્રે ૧૧.૩૦ વાગ્યે પહોંચી હતી. દરમ્યાન ટ્રેનના મુસાફરોનો જંગલમાં કવરેજ ન મળવાને લીધે સંપર્ક ન થતાં પરિવારજનો પણ ચિંતામાં પડી ગયા હતા. જોકે, રેલ્વેનો સંપર્ક સાધતાં ટ્રેન સિંહને લીધે જંગલમાં રોકાયાની જાણ કરાઇ હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
