News of Thursday, 22nd August 2024
સાવરકુંડલા નગરપાલિકાને ભંગારના વેચાણમાં અ.ધ..ધ.. ૨૦ લાખ રૂપિયાની આવક થઇ
દર વર્ષ કરતા ખરીદનાર વેપારી ઘટયા તો પણ આવક ચાર ગણી વધી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૨: સાવરકુંડલા નગરપાલીકા પોતાના હસ્તકના વિવિધ વિભાગો જેવા કે વોટર વર્કસ્, સેનિટેશન, લાઈટ અને રોશની, વાહન વ્યવહાર, વહીવટી વિભાગ વગેરેમાં ઉપયોગ બાદ નીકળતા વેસ્ટ મટીરીયલ્સની જાહેર ટેન્ડર પદ્ધતિ દ્વારા નિકાલ કરવામાં આવતા દર વર્ષ કરતા ચાર ગણી એટલે કે અ...ધ ..ધ ..૨૦ લાખ રૂપિયા જેવી મતદાર રકમની આવક નગરપાલિકાને થઈ છે આ બાબતની માહિતી આપતા પાલિકાના -મુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી નગરપાલિકાનું સુકાન સંભાળ્યા બાદ પાલિકાને આર્થિક રીતે ઓછામાં ઓછું ભારણ આવે અને ઓછા ખર્ચે મહત્તમ સુવિધાઓ શહેરીજનોને આપી શકાય તેવો અભિગમ અમે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગદર્શનથી અમલમાં મૂકયો છે.
ત્યારે ચાલુ વર્ષે દર વર્ષની માફક વિવિઘ વિભાગના ભંગારનો નિકાલ કરવાનો થતા વિવિધ વિભાગોની વેસ્ટ વસ્તુઓનો નિકાલ કરવા માટે રાબેતા મુજબની જૂની પદ્ધતિ અમલમાં હતી કે જેમાં લોખંડ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રિક કેબલ, સ્ટેશનરી વગેરે ચીજ વસ્તુઓ પાલિકાના મેદાનમાં ઢગલો કરી ભંગારનું લે-વેચ કરતા વેપારીઓને બોલાવી ઉધડો જ ભાવતાલ નક્કી કરી તેને વેચાણ આપવામાં આવતું હતું પરિણામે આવો ભંગાર લેનાર વેપારીઓ એક સંપ થઈ જતા હતા અને રિંગ કરી એક રૂપિયાનો માલ ૨૫ પૈસામાં ખરીદી જતા હતા તેથી નગરપાલિકાને ભંગારનાં વેચાણ ની ઓછી આવક થતી હતી. અને ખરેખર માલના ૨૫% રકમ જ પાલિકાના મળતી હોવાનું વર્તમાન સત્તાધીશોના ધ્યાનમાં આવતા અગાઉની ‘ઢગલે ધિંગાણા'ની ઉધડા પદ્ધતિ રદ કરી પારદર્શક પદ્ધતિ અમલમાં મૂકી વર્તમાન પત્રોમાં ભંગાર વેચાણની ઓપન જાહેરાત આપી તેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને ટેન્ડરમાં વધુ ભાવ આવે તેવી પાર્ટીઓને બધાને હાજરીમાં ટેન્ડર ખોલી તેમાં જેના ભાવ મહત્તમ હોય તેને ભંગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યારે આ વખતે વર્તમાન સત્તાધીશોએ પારદર્શક રીતે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મુકતા ‘મલાઈ તારવી' લેતા વેપારીમાં નારાજગી ફેલાઈ હતી જેથી વધારાના ભાગ લેનાર વેપારીઓ એ ટેન્ડર ભર્યા જ ન હતા અને વાસ્તવિક ખરીદારો એ જ ટેન્ડર ભરતા નગરપાલિકાને દર વર્ષે જે પાંચથી સાત લાખ રૂપિયાની સ્કેપની આવક થતી હતી તેની જગ્યાએ ચાલુ વર્ષે ૨૦ લાખ રૂપિયા જેવી અ..ધ..ધ . આવક થઈ છે ભંગારના વેચાણ માં દર વર્ષની સરખામણીએ ચાર ગણી આવક થતા નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને પ્રમુખ, ઉપપ્રમુખની કામ કરવાની પારદર્શક પદ્ધતિને બીરદાવી રહ્યા છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
