<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

કુતિયાણાની ૧૦૮ ટીમે જોખમી ડીલીવરી કેસમાં માતા અને બાળકના જીવ બચાવ્‍યાં

પ્રસુતાને ઝેરી કમળાની અસરથી કેસ ગંભીર બની ગયો હતો

પોરબંદર, તા. ૨૩:  કુતિયાણા ૧૦૮ ની ટીમ દ્વારા સગર્ભા માતા અને બાળકનો જીવ બચાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે મજૂરીઅર્થે આવેલી શ્રમિક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી. આ અંગેની જાણ શ્રમિક મહિલાના પરિવારે આશાવર્કરને કરી હતી. આશાવર્કરે તુરંત જ ૧૦૮ ઈમર્જન્‍સી સેવાને મદદ માટે ફોન કર્યો હતો. જાણ થતા જ કુતિયાણા ૧૦૮ ઈમર્જન્‍સીની ટીમ તુરંત જ સ્‍થળ પર પહોંચી હતી. ૧૦૮ ના પાયલોટ કરશનભાઈ તથા ઈ.એમ.ટી. મિનાક્ષીબેને સગર્ભા મહિલાની તપાસ કરી હતી. નવ માસ પૂરા થયા હોય અને ઝેરી કમળાની ગંભીર અસર સગર્ભા માતાને હોવાનું જણાયું હતું.

લોહીની ઉણપ હોય જેથી દર્દીને પ્રસુતિની પીડા થતી હોવાથી પ્રસુતિના ગંભીર ચિન્‍હો જણાયા હતા. આથી સમય વેડફયા વિના તુરંત જ ૧૦૮ માં યોગ્‍ય સાધન, સ્‍ટ્રેચરની મદદથી હોસ્‍પિટલે જવા નિકળ્‍યા હતા. આ સમય દરમિયાન દર્દી પ્રસુતા માતાને પ્રસુતિની વધુ પીડા ઉપડતા મિનાક્ષીબેનને તેઓની પ્રસુતિ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં જ કરવાની ફરજ પડી હતી.

૧૦૮ ની હેડ ઓફિસ પર હાજર ફિઝીશ્‍યન ડો. મિહીરની સલાહથી જોખમી માતાની પોતાને મળેલ ટ્રેનિંગ અને યોગ્‍ય  માર્ગદર્શન વડે નોર્મલ ડિલીવરી માર્ગ વચ્‍ચે જ કરી હતી. ત્‍યારબાદ વધુ સારવાર માટે પોરબંદરની સરકારી લેડી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. સગર્ભા મહિલાની જોખમી ડિલીવરી કરી, માતા અને બાળકનો જીવ બચાવવાની સરાહનીય કામગીરી કરવા બદલ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્‍દ્ર ચૌહાણ, જિલ્લા અધિકારી જયેશગીરી મેઘનાથી અને શ્રમિક પ્રસુતાના પરિવારના સભ્‍યોએ કુતિયાણા ૧૦૮ ની ટીમને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(9:57 AM IST)