News of Saturday, 24th August 2024
આજથી સૌરાષ્ટ્ર ઉત્સવમય : જન્માષ્ટમી તહેવારોનો પ્રારંભ
શહેરોથી માંડીને નાના-નાના ગામડાઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ : ઠેરઠેર લોકમેળાની રંગત : આજથી સરકારી ઓફિસો - વેપારીઓ ‘મીની વેકેશન' માણશે

રાજકોટ, તા.૨૪: આજથી સમગ્ર સૌરાષ્ટ્ર ઉત્સવમય બન્યું છે. આજે રાંધણછઠ્ઠ સાથે જન્માષ્ટમીના તહેવારોનો રંગેચંગે પ્રારંભ થયો છે. કાલે શિતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમીનું પર્વ ઉજવતા લોકોમાં જબરો થનગનાટ પ્રર્વતી રહ્યો છે. આજથી ઉત્સવના દિવસનો પ્રારંભ થયો છે. ઠેરઠેર લોકમેળા પણ શરૂ થયા છે. કર્મચારીવર્ગ અને વેપારીવર્ગ આજથી 'મીની વેકેશન' માણવા સજ્જ છે.
ગામે ગામ શોભાયાત્રા, મટકીફોડના કાર્યક્રમો એક સમયે ગોકુળ-વળંદાવનની કુંજગલીઓમાં રાસ રમીને ગોપીઓ અને ગોપબાળોને ઘેલાં કરનાર પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકળષ્ણની મોહિની આજે આટલા વર્ષો પછી પણ બરકરાર છે.
સોમવારે શ્રાવણ વદ આઠમના પાવનકારી દિવસે એમના પ્રાકટયને આવકારવા લાખો-કરોડો ભાવિકો થનગની રહ્યા છે. સૌરાષ્ટ્ર આખું કૃષ્ણમય બન્યું છે. ગામડાંઓ અને નગરોએ ગોકુળિયાં વાઘા ધારણ કર્યા છે. દરેક હૈયામાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદ ગુંજી રહ્યા છે. કૃષ્ણજન્મોત્સવની ઉજવણી માટે લોકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. કૃષ્ણ ભગવાને ગોકુળ-મથુરા, વળંદાવનને છોડીને સૌરાષ્ટ્રની પાવનકારી ભૂમિ પર દ્વારકા ખાતે પોતાની નગરી બનાવી હતી. માધવપુરમાં એમણે રાણી રૂકમણી સાથે વિવાહ કર્યા હતા. અને પોતાનો પ્રાણ પણ સોમનાથ નજીક પ્રયાગ ખાતે ત્યાગ્યો હતો. સૌરાષ્ટ્રની ભૂમિ ભગવાન કૃષ્ણની ચરણરજોથી પાવન થયેલી છે. અને એટલે જ સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મની અનોખી-અનેરી ઉજવણી થાય છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં ગામે ગામ લોકમેળાઓના આયોજન થાય છે તો નાના-મોટા નગરોમાં ભવ્ય શોભાયાત્રાઓના પણ આયોજનો કરાયા છે. રાજકોટમાં આઠમની સવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. એ જ રીતે ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા વગેરે જેવા નગરોમાં પણ કૃષ્ણ જન્મ પ્રસંગે શોભાયાત્રા નીકૃશે. શોભાયાત્રા ઉપરાંત અનેક નગરોમાં મટકી ફોડના આયોજનો થયા છે.
શહેરો-ગામડાંઓમાં ચોકે ચોકે રોશની અને કૃષ્ણ ભગવાનની જીવનલીલાને તાર્દશ્ય કરતાં ફલોટ્સ ગોઠવવામાં આવ્યા છે. ધજા-પતાકાઓ અને સુશોભનો થકી સૌરાષ્ટ્ર આખું રુંડું દેખાય રહ્યું છે. બસ, બધાંને પ્રતિક્ષા છે. આઠમની મધરાતની. રાત્રે બારના ટકોરે સૌરાષ્ટ્રના મંદિરો, રાજમાર્ગો કૃષ્ણ કનૈયાલાલ કી જયના નાદ સાથે ગાજી ઊઠશે. દ્વારકામાં લાખો લોકો ઊમટી પડ્યા શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં છેલ્લા બે દિવસથી ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો છે. આજે સાતમના દિવસે જ શહેરની તમામ હોટેલો, ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગઈ હતી. આઠમે તો દ્વારકામાં પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે. દ્વારકા જગતમંદિર ખાતે રાત્રે ૧૨-૦૦ કલાકે ભક્તિભાવપૂર્વક કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે. એ પ્રસંગનું મંદિરની વેબસાઈટ ઉપરાંત ટીવી ચેનલો પરથી જીવંત પ્રસારણ થશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
