<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઇ: નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા તાકિદ

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા

 દેવભૂમિ દ્વારકા:   દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ  એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સમીક્ષા બેઠક યોજી હતી. 

 સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે, ભારે વરસાદની સ્થિતિ પગલે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીઓ લેવામાં આવી રહી છે. ખાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા તેમજ ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં પૂર્વ તૈયારી ભાગ રૂપે ફૂડ પેકેટ તેમજ નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવા વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા.  

 આ તકે સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવા તેમજ ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝ-વે તથા ડેમ સાઈટ પર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા સહિતના જરૂરી પગલાંઓ લેવા જણાવ્યું હતું. ઉપરાંત નાગરિકોને સાવચેત રહેવા તેમજ બિન જરૂરી મુસાફરી ટાળવા માટે નાગરિકોને સૂચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લાના શેલ્ટર હોમમાં વીજળી, પાણી તથા સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત દરિયામાં માછીમારોને અવર જવર ના કરવા તેમજ સુરક્ષિત સ્થળે ખસેડી લેવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા. 

 સમીક્ષા બેઠકમાં કલેકટર  જી.ટી.પંડ્યા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. 

(3:22 PM IST)