તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 27th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: જિલ્લામાં છેલ્લા ૮ કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ
દ્વારકા તાલુકામાં ૪ ઇંચ જેટલો વરસાદ: ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ પાસે આવેલ વર્તુ -૨ ડેમના ૨૦ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. જિલ્લાના કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં આજરોજ(તા. ૨૭ ઓગસ્ટ,૨૦૨૪) સવારે ૬ કલાકથી બપોરના ૨ કલાક સુધીમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ જ્યારે દ્વારકા તાલુકામાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લાના કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ જોઈએ તો ખંભાળિયા તાલુકામાં ૧૫૪ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૧૩૯ મી.મી., ભાણવડ તાલુકામાં ૧૨૫. મી.મી. અને દ્વારકા તાલુકામાં ૯૮ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
ક્ષાર અંકુશ વિભાગના અહેવાલ પ્રમાણે જિલ્લાના તમામ ૧૫ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ પાસે આવેલ વર્તુ -૨ ડેમના ૨૦ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના હેઠવાસમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૦૬ ગામો તેમજ પોરબંદર જિલ્લાના ૦૮ ગામોના લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો દ્વારકા તાલુકામાં ૧૬૨૯ મી.મી., ખંભાળિયા તાલુકામાં ૧૬૦૦ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૧૫૫૩ મી.મી. તેમજ ભાણવડ તાલુકામાં ૯૭૮ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
હાલ ભારે વરસાદની આગાહી હોય લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારમાં અવર જવર નહિ કરવા, વીજપોલ કે વૃક્ષો નીચે નહિ જવા તેમજ પાણી ભરાયેલા કોઝ - વે પરથી પસાર ન થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
