News of Tuesday, 27th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં સૌથી વધારે ખંભાળિયા તાલુકામાં ૧૬.૫૬ ઈંચ વરસાદ; સૌથી ઓછો દ્વારકા તાલુકામાં ૦૭.૭૨ ઈંચ જેટલો વરસાદ
કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ: વરસાદની સ્થિતિને પગલે રાહત બચાવની કામગીરી અર્થે એન.ડી.આર.એફની એક તેમજ આર્મીની એક કોલમ સ્ટેન્ડબાય: જિલ્લાના વર્તું-૨ ડેમના ૧૦ ગેટ ૬ ફૂટ જેટલા ખોલાયા: ડેમસાઈટની હેઠવાસ વિસ્તારોને કરાયા એલર્ટ:જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવ તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા

દેવભૂમિ દ્વારકા :હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૬.૫૬ ઈંચ તેમજ જ્યારે સૌથી ઓછો દ્વારકા તાલુકામાં ૭.૭૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે રાહત બચાવ તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
છેલ્લા ૩૬ કલાકમાં થયેલ મેઘવર્ષાની સ્થિતિ જોઈએ તો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૨૬૮ મીમી, દ્વારકા તાલુકામાં ૧૯૪ મીમી, ખંભાળિયા તાલુકામાં ૪૧૪ મીમી તથા ભાણવડ તાલુકામાં ૨૪૨ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અંગે અવગત કરાવતા કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્કતા કેળવી નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને તકેદારી રાખવા તેમજ બિન જરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમની સ્થિતિ જોઈએ તો જિલ્લાના તમામ ડેમો ઓવરફલો થઇ ગયા છે. જેને પગલે ડેમ સાઈટના નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. ઉપરાંત જિલ્લાના વર્તું - ૨ ડેમમાં વરસાદી પાણી આવકને પગલે ૨૦ ગેટ ૬ ફૂટ ખોલવામાં આવતા હેઠવાસના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવર્તમાન ભારે વરસાદના પગલે રસ્તાઓની સ્થિતિ જોઈએ તો, માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૦૩ તેમજ રાજ્ય હસ્તકના ૦૪ એમ કુલ ૦૭ રસ્તાઓ હાલ બંધ છે. જેમાં ઓવર ટોપિંગ થવાના કારણે સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ, ભવનેશ્વર ઝારેરા રોડ, લીમડી રાણ ગુરગઢ ચરકલા રોડ, અડવાણા રાવલ કલ્યાણપુર ભાટિયા રોડ, ચોખંડા ભંડારીયા ભીંડા ભાણખોખરી રોડ તેમજ બજાણા કંડોરણા કોટા રોડ બંધ છે. ઉપરાંત રાહત બચાવની કામગરી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૦૧ એન. ડી.આર.એફની ટીમ તૈનાત હતી. વધારામાં કેન્દ્ર દ્વારા ૦૧ આર્મીની કોલમ પણ ફાળવવામાં આવી છે.
પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પગલે અગમચેતી એજ સલામતી ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને જેની પ્રસૂતા તારીખ નજીકના સમયમાં હોય તેવા ૩૦ જેટલી મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત ખસેડવામાં આવી છે. જેમાંથી ૧૨ મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરવામાં આવી છે તેમજ અન્ય ૧૮ મહિલાઓને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.
ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓ તથા જિલ્લાના પ્રભારી સચિવઓને સંલગ્ન જિલ્લામાં પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. જેને અનુસંધાને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગેની જરૂરી તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
