<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ભાણવડ અને ખંભાળિયામાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો: જળબંબાકાર :નદી નાળા છલકાયા

વર્તુ-2 ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલાયા :ત્રણ તાલુકાના 14 ગામોને એલર્ટ કરાયા:30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરાઈ

રાજકોટ :આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. દેવભૂમિ-દ્વારકા જિલ્લાના ભાણવડમાં સૌથી વધુ 215 મિ.મી. (8.4 ઈંચ) અને ખંભાળિયામાં 209 મિ.મી (8.2 ઈંચ) જેટલો વરસાદ વરસ્યો છે.

 અન્ય તાલુકામાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો, કલ્યાણપુરમાં 201 મિ.મી. (7.9 ઈંચ), દ્વારકા શહેર 143 મિ.મી (5.6 ઈંચ) વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે દ્વારકાના મોટાભાગના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. શહેરના ઈસ્કોન ગેટ અને તોતાદ્રી મઠ વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉપરાંત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી ઑવર ટૉપિંગના કારણે 3 રસ્તાઓ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ પાસે આવેલ વર્તુ-2 ડેમ પણ છલકાયો હતો. જેથી ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 14 જેટલા ગામના લોકોએ એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવી છે.

(11:00 PM IST)