<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

કાલ સુધી રેડ એલર્ટ: મીની વાવાઝોડું સૌરાષ્ટ્ર - કચ્છના કાંઠેથી ગુરુવાર સવાર સુધી પસાર થઈ દરિયામાં ભળી જવાનું અનુમાન

કચ્છમાં બે દિવસ સતત વરસાદ બાદ આજે થોડો વિરામ, સૌરાષ્ટ્ર ,ગુજરાત, મુંબઈનો ટ્રેન, રોડ ખોરવાયેલો વાહન વ્યવહાર આજથી શરૂ થવાની શક્યતા, કચ્છમાં વરસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આવતીકાલ ગુરુવાર સુધી રેડ એલર્ટ છે. ત્યારે હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ દિશામાં ૮ કીમી ની ઝડપે આગળ વધી રહ્યું છે.

 

આ મીની વાવાઝોડું આવતીકાલ તા.૨૯ ની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારેથી પસાર થઈ અરબી સમુદ્રમાં ભળી જાય એવું અનુમાન છે.

 

આની અસર તળે ક્યાંકે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ તેમ જ દરિયા કિનારે તોફાની પવન સાથે મીની વાવાઝોડાની ભીતિ હોઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

 

હવે કચ્છમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા ૪૮ કલાકમાં તા.૨૬/૮ થી આજે ૨૮/૮ ના સવારે ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ માંડવીમાં ૧૨ ઈંચ, નખત્રાણામાં ૧૦, મુન્દ્રા, અબડાસા ૭, ભુજ ૬, લખપત ૫, ભચાઉ, અંજાર ૪, ગાંધીધામ અને રાપરમાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે.

 

ગઈકાલ અને આજ બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, છુટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. 

 

દરમ્યાન કચ્છનો સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ સાથે ખોરવાયેલો રોડ અને રેલ વ્યવહાર આજથી ધીરે ધીરે શરુ થઈ જવાની પુરી શક્યતા છે. પ્રવાસ કરનાર પરિસ્થિતિ વિષે પુરી જાણકારી મેળવ્યા બાદ જરુરી હોય તો જ પ્રવાસ કરે એ હિતકારી છે.

(3:02 PM IST)