<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જામનગરમાં નદી, જળાશયો, તળાવ અને દરિયાકાંઠે અવર જવર કરવા પર પ્રતિબંધ : જાહેરનામું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ જળાશયો નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઈ યોજનાઓ વગેરે પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવાયો: : 26 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે

જામનગર: સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નાહવા પડેલા વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાનમાં આવી છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા જામનગર જિલ્લામાં પણ ઘટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં સમગ્ર જામનગર જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે મોટા ભાગના ડેમો ભરાઈ જવાથી ઓવરફલો થઈને નદીઓમાં પાણી વહી રહ્યા છે. આવા સમયમાં નદીઓમાં જળ પ્રવાહ વધી જાય છે. જેના કારણે જળાશયો કે નદીઓના પાણી જોવા જવાના કે નહાવા જવાના કિસ્સામાં નદી કે જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામતી હોય છે.

આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય કે નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે અને પૂર્વ તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળોએ કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલા હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી સૂચના મળેલી છે.

જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ- 163 અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ, જામનગર જિલ્લાના તમામ જળાશયો નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઈ યોજનાઓ વગેરે પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

ઉકત જાહેરનામું આગામી તારીખ 26  સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરમારી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ- 223 ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે

(3:25 PM IST)