<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

,,,અને મોત હાર્યું, જિંદગી જીતી: કચ્છ પોલીસની દિલ ધડક કામગીરી, તંત્રની જાગૃતિ અને લોકોના સહયોગે કાર સાથે પાણીમાં ડૂબતા યુવાનનો જીવ બચાવ્યો

વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી કરી યુવાને હેમખેમ પાણીમાંથી બહાર કાઢી નવજીવન આપ્યું

(વિનોદ ગાલા દ્વારા ભુજ) મૂળ  સાંચોર - રાજસ્થાનના અને હાલ ધાણેટી ખાતે રહીને ખાનગી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ ચૌધરી  ખારા પસવારીયાથી વરસામેડી તરફ આવતા રસ્તામાં કોઝવેમાં ગાડી સાથે તણાઈ જતા વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી  ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી કરી યુવાને હેમખેમ પાણીમાંથી બહાર કાઢી નવજીવન આપ્યું હતું.
 કોઝવે તરફ જવાના રસ્તા પર હિતેશભાઈની ગાડી પાણી ફસાઈ જતા અંદર પાણી આવવાનું શરૂ થયું હતું. આ દરમિયાન તેમણે તેમના પરિવારજને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. વાતચીત દરમિયાન જ તેમનો ફોન કટ થઈ જતા તેમના કાકા પરિસ્થિતિને પામીને  તત્કાલ  હિતેશભાઈની ગાડીના જીપીએસના લોકેશન ઉપરથી ગામમાં જાણ કરી હતી.  ગ્રામજનોએ મામલતદારની જાણ કરતા અંજાર પોલીસની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અંજાર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. એન. ઝાલા પીએસઆઇ જે. એસ.ચુડાસમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ કિરીટ પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા સહિતના ઘટના સ્થળે પહોંચીને તણાઈ ગયેલા હિતેશભાઈને બચાવવા કામગીરી શરૂ કરી હતી. ગામના યુવાનો આંબાભાઈ રબારી, રઘુ રબારી, ઈશ્વર રબારીની મદદથી માથાડૂબ પાણીમાં ઉતરીને દિલધડક રેસ્ક્યુ કામગીરી કરી યુવાન સુધી પહોંચી તેને બચાવ્યો હતો. જોકે, યુવાનની ગાડી પાણીમાં ડૂબી ગયેલ છે.


 

(11:35 PM IST)