News of Friday, 30th August 2024
મોટી પાનેલી પંથકમાં ૨૦ ઇંચ : ચારેકોર પાણી : લીલા દુકાળની પરિસ્થિતિ
ડેમ સતત ઓવરફલોથી ગ્રામ્યના રસ્તા બંધ : ફુલઝર નદી બેકાંઠે : પાણી વિતરણનો કેબલ તણાયો

મોટી પાનેલી તા. ૩૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને આસપાસ ના વિસ્તારોમાં સતત ત્રણ દિવસના વરસાદ થી ચારેકોર પાણી પાણી જોવા મળે છે. ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાતા લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાયેલ છે. ખેડૂતો વરસાદ બંધ થવાની પ્રાર્થના કરતા જોવા મળે છે. ઉભા મોલની પરિસ્થિતિ ભારે દયનિય છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદ વરસતા ૨૦ ઇંચ જેટલો વરસાદ પડી જતા રોડ રસ્તા ભારે ખાના ખરાબી સર્જાયેલ છે. ઠેર ઠેર અસંખ્ય ગાબડાં પડી જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ફુલઝર ડેમ સતત ઓવરફલો થતા ગ્રામ્ય વિસ્તારના રસ્તા ત્રણ દિવસ થી બંધ હોય લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફુલઝર નદી સતત બે કાંઠે વહી રહી છે. ગામને પાણી વિતરણ માટેની મોટર નો કેબલ તણાતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડેલ છે. લોકો સતત ઘરમાં પુરાઈને બેઠા હોય એક જોતા કોરોના કાળનો સમય યાદ આવી ગયેલ છે. ભારે પવન અને વરસાદથી વીજળીના તાર પણ તૂટવાના સમાચાર છે. (તસ્વીર - અહેવાલ : ચતુલ ચગ)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
