<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વડાલ પાસે ઇકોને કાર ચાલકે ઠોકર મારતાં ટીંબાવાડીનાં આધેડને ગંભીર ઇજા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦: અમદાવાદના ઓઢવ વિસ્‍તારમાં રહેતા રાહુલભાઈ હસમુખભાઈ છાયા પરિવાર સાથે સાતમ આઠમનો તહેવાર કરવા માટે જૂનાગઢના મધુરમ યોગી પાર્કમાં રહેતા સસરાના ઘરે સાતમ આઠમનો તહેવાર કરવા માટે ઇકો કારમાં આવ્‍યા હતા. ૨૬ ઓગસ્‍ટના રોજ રાહુલભાઈ તથા તેમના સાઢુ દિલીપભાઈ છગનભાઈ મોકરીયા તથા જામનગરના જીગ્નેશભાઈ લાલજીભાઈ ચાંદેગરા સાથે ઇકો કારમાં ખોડલ ગામે સંબંધીની ખબર પૂછવા માટે ગયા હતા. મોડાથી પરત જુનાગઢ આવતા હતા.

તે દરમિયાન રાત્રે વડાલ પાસે જુનાગઢ નવા બાયપાસ પર પહોંચાડી ગામના પુલ ખાતે પહોંચતા જીજે ૦૩ જેઆર ૩૩૮૧ નંબરની કારના ચાલકે પાછળથી ડ્રાઇવર સાઈડમાં ઈકોને ઠોકર લગાવતા રોડ પર ફરી ગઈ હતી અને આગળના દરવાજા ખુલી જતા દિલીપભાઈ ઈકોમાંથી ફંગોળાઈ જતા તેમને ગંભીર ઈજા થવાથી જૂનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માત બાદ કાર ચાલક તેની કાર રોડ ઉપર મૂકીને ભાગી ગયો હતો.

આ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

(10:32 AM IST)