<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

માંગરોળ તાલુકામાં હજુ વરસાદની ઘટ : ૩૬ ઇંચ જ થયો

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: જૂનાગઢ જિલ્લામાં સીઝનનો સરેરાશ ૬૮ ઇંચ વરસાદ થયો છે અને હજુ આજે પણ વરસાદી માહોલ હોય વરસાદનો કુલઆંક વધવાની સંભાવના છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં  જન્માષ્ટમી, સોમવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જોકે બુધવારે વરસાદનું જોર એકંદરે ઘટ્યું હતું.

જુનાગઢ જિલ્લામાં સીઝનનો વરસાદનો કુલ વરસાદનો આંક વધીને ૬૧૨ ઇંચ થયો છે. એટલે કે જિલ્લાના ૯ તાલુકામાં સરેરાશ ૬૮  ઇંચ મેઘ મહેર થઈ છે.

જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ ૭૯ ઈંચ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે જ્યારે હજુ દરિયાઈ વિસ્તાર માંગરોળ તાલુકામાં વરસાદની ઘટ છે. માંગરોળ પંથકમાં સવારની સ્થિતિએ સીઝનનો કુલ વરસાદ ૩૬ ઇંચ જ થયો છે.

સીઝનનો સૌથી વધુ ૭૯ ઇંચ વરસાદ સાથે વિસાવદર મોખરે

જુનાગઢ જિલ્લામાં સીઝનનો સૌથી વધુ ૭૯ ઇંચ વરસાદ સાથે વિસાવદર તાલુકો મોખરે રહ્યો છે. જ્યારે અન્ય તાલુકાના સિઝનના કુલ વરસાદ ઉપર નજર ફેરવીએ તો માણાવદર ૭૨ ઇંચ, વંથલી ૭૩ ઇંચ, જુનાગઢ ૬૪ ઇંચ, ભેસાણ ૪૦ ઇંચ, મેંદરડા ૬૭ ઇંચ, કેશોદ ૬૬ ઇંચ, માંગરોળ ૩૬ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં સીઝનનો કુલ વરસાદ ૫૪ ઇંચ થયો છે.

૧૭ ખેલી જુગાર રમતા ઝડપાયા

વંથલી તાલુકાના ધણફુલીયા ગામે રહેતો કિશોર રણજીત પરમાર તેના ઘરમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા વંથલીના પી.એસ.આઇ. વાય. બી. રાણાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર ધામનો સંચાલક કિશોર રણજીત તેમજ સાગર ધારશી સોલંકી, સંજય મનસુખ સાબરીયા, મહેશ ધારશી મકવાણા, પ્રેમ કાંતિલાલ પરમાર, જયેશ મનસુખ સાબરીયા, ગરીબદાસ તુલસીદાસ દાણીધારીયા, પારસ લીલા મકવાણા અને જગદીશ ધારશી સોલંકી સહિતા ૯ જણાને રૂપિયા ૩૩,૬૧૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત સાત મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૫,૮૪,૧૧૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ ઉપરાંત માંગરોળ પોલીસે મેનેજ ગામમાંથી ૪ શખ્સને રૂપિયા ૧૦,૫૪૦ની રોકડ સાથે અને શીલ પોલીસે પણ આતરોલી ગામેથી ૪ ઈસમને રૂપિયા ૧૯૯૦ની રોકડ રકમ સાથે જુગાર ખેલતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

૧૭ ડેમમાં  ઓવરફ્લો યથાવત

જિલ્લામાં વરસાદ ઘટવાને લીધે ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો થતાં અટક્યો હતો. અને વૃજમી ડેમની જળ સપાટી ૯૫.૭૪ ટકા, -ેમપરા ડેમની જળસપાટી ૬૬ ટકા રહી હતી. જ્યારે ઓઝત ૨, ઉબેણ ભાટગામ, મધુવંતી, આંબાજળ, ધ્રાફડ, હસનાપુર, મોટા ગુજરીયા, સાબલી, બાટવા ખારો, ભાખરવડ, આણંદપુર વિયર, શાપુર વિયર, વંથલી વિયર, મઘરડી, ઉબેણ કેરાળા, શેરડી અને ટીકર વિયર ડેમમાં ઓવરફ્લો યથાવત રહ્યો છે.

(11:20 AM IST)