<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

પોરબંદરમાં એસ.ડી.આર.એફની વધુ એક ટીમ આવી : ‘રેસ્‍કયુ' કામગીરી

ઉપરવાસથી ભાદર ઓઝત મીણસાર સહિત નદીના પાણીની સતત આવક નીચાણવાળા વિસ્‍તારમાં ચાલુ છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦: નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાય તો તાત્‍કાલીક પગલાં લઈ શકાય તે માટે એસ.ડી.આર.એફ. ની (સ્‍ટેટ ડીઝાસ્‍ટર રીસ્‍પોન્‍સ ફોર્સ)ની વધુ એક ટીમ બોલાવાઈ છે. ભાદર, ઓઝત, મીણસાર સહિતની નદીઓમાં સતત પાણીની આવકને લીધે પોરબંદર શહેરમાં રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી ચાલી રહી છે.

પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્‍તારોમાં અતિ ભારે વરસાદ પડ્‍યો છે. રાજ્‍યભરમાં ભારે વરસાદની આગાહીના પગલે અતિ ભારે વરસાદ પડ્‍યો હોવાને કારણે હાલ વરસાદી પાણી પોરબંદર પંથકમાં આવી પહોંચ્‍યું છે. ભાદર, ઓઝત, મીણસાર સહિતની નદીઓમાં પાણીની આવક વધતા પોરબંદર શહેરમાં વધુ પાણી આવવાની શકયતા છે.

પુષ્‍કળ પ્રમાણમાં પોરબંદર શહેરમાં કર્લી જળાશય સહિતના વિસ્‍તારમાં પાણીની આવક થઈ રહી છે. પાણી ભરાય તો સ્‍થળાંતર તેમજ લોકોને મુશ્‍કેલી ન પડે તે માટે રાહત બચાવની કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધુ એક એસ.ડી.આર.એફ. ની ટીમ બોલાવવામાં આવી છે અને જે વિસ્‍તારમાં વધુ પાણી ભરાય ત્‍યાં રેસકયુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રની સાથે સંકલનમાં રહેલ એસ.ડી.આર.એફ. ની ટીમ બચાવ, રાહતની કામગીરી કરશે.

પોરબંદર કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણીએ જિલ્લામાં પાણીની આવકની સ્‍થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં હાલ વરસાદ નથી, પરંતુ ઉપરવાસમાંથી વધુ પાણી આવે તો આયોજન કરી શકાય તે માટે તકેદારી લેવામાં આવી રહી છે.

(12:38 PM IST)