News of Friday, 30th August 2024
પોરબંદર જિલ્લો અને બરડા-ઘેડમાં પુરથી તારાજીથી નુકશાનનો સર્વે કરાવી સહાય ચુકવવા માંગણી
મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદર,તા. ૩૦: પોરબંદર અને જુનાગઢ જિલ્લાના પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, માંગરોળ, કેશોદ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર (બરડા - ઘેડ વિસ્તાર)માં પુરના પાણીથી સર્જાયેલી તારાજીથી થયેલ નુકશાની અંગે સહાય આપવા બાબતે મેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
દરેક ડેમમાંથી પાણી છોડવાથી ભાદર, ઓઝત, મીણસાર, મધુવંતી, વર્તુ સહિતની અનેક નદીઓમાં ઘોડાપૂર આવેલ છે અને આ વિસ્તારના મોટાભાગના ગામડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલ છે.
આ પૂર પરિસ્થિતિમાં ગ્રામજનોના ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરી તથા કિંમતી ચીજ વસ્તુઓ પલળી ગયેલ છે તેમજ પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારો પણ પલળી જતા આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે.
છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદથી મોટાભાગના ગામડાઓ તરફ જતા રસ્તાઓ પૂરના પાણી ફરી વળતા આ ગ્રામ્ય વિસ્તારો મુખ્ય વિસ્તારથી સંપર્ક વિહોણા બની ગયેલ છે.
પોરબંદર પંથકમાં પુરના પાણી ઓસરે અને રસ્તાઓ ખૂલે એટલે તાત્કાલીક ધોરણે પશુઓ માટે ઘાસચારો મળી રહે એવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. તેમજ આ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને થયેલ નુકશાનીનો સર્વે કરાવી લોકોની ઘર વખરી અને તેમજ ખેતિની જમીનનુ થયેલ ધોવાણ અંગે યોગ્ય વળતર ચુકવવામાં આવે માંગણી મુખ્યમંત્રીને રજુઆતમાં વિમલજીભાઇ ઓડેદરા પ્રમુખ શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા કરી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
