News of Friday, 30th August 2024
કચ્છમાં આર્મીએ કમાન સંભાળી : કંડલા, મુન્દ્રા, જખૌ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ
વાવાઝોડાની અસર! દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે : માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી

નવી દિલ્હી, તા.૩૦: ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આજે અરબ સાગર તરફ આગળ વધી રહી છે. જેથી કચ્છમાં વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. કચ્છના માંડવીમાં ૨૪ કલાકમાં (ગુરૂવારે) ૧૫.૫ ઇંચ વરસાદ ખાબકયો હતો. જે બાદ આજે કંડલા, મુન્દ્રા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં હાલમાં ડીપ ડિપ્રેશનની જે સ્થિતિ છે, તે જોતા ૪૮ વર્ષ બાદ વાવાઝોડું ઈતિહાસ રચશે. આ સિસ્ટમ જમીન પરથી દરિયામાં જઇને વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. હવામાનના ઈતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે. ૪૮ વર્ષ પહેલા ૧૯૭૬માં આ જ ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું. ત્યારે હવે ફરી એક વાર આ ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. ૪૮ વર્ષ પછી કચ્છ પર દુર્લભ વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે. આજે ગુજરાતનાં કંડલા, મુન્દ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઘોઘલા તથા વણાકબારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.
માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં મોબાઈલ નેટવર્કને ભારે અસર થઇ છે. આ સાથે માંડવીમાં અનેક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા છે. ગત મોડી રાતથી જ ભારે પવન ફુંકાતા વાવાઝોડાની અસર દેખાઇ રહી છે.
વાવાઝોડા પહેલા કચ્છની કમાન સેનાએ સંભાળી છે. બાબાવાડીમાં કેટલાક લોકો પાણીમાં ફસાયા હતા. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સેનાની મદદ લેવાઈ હતી. ભુજ મિલિટરી સ્ટેશનથી ૩ ઓફિસર સહિત ૮૦ જવાનોની ટીમે સોસાયટીઓમાંથી લોકોને રેસ્કયું કરવા આર્મીની ટીમ પહોંચી હતી. સોસાયટીઓમાં ફસાયેલા લોકોને આર્મીની બોટમાં રેસ્કયુ કરાયા હતા. વડીલો, બીમારને સેનાના જવાનોએ ઊંચકીને બહાર લાવ્યા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
