<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ક્ચ્છના અબડાસામા ૮૦૦ લોકોનું સ્થળાંતર: પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પહોંચ્યા નલિયા

લોકોનું જનજીવન સામાન્ય બને તે રીતે યુદ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી કરવા આપી સૂચના, સાંસદ વિનોદ ચાવડા, ધારસભ્ય પી.એમ. જાડેજાએ વીજ સ્મસ્યાઓ હલ કરવા જણાવ્યું

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છમાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છના અબડાસા તાલુકાના મુખ્યમથક નલીયાની પ્રાંત કચેરીએ સમીક્ષા બેઠક યોજીને જનજીવન સામાન્ય બને તે માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નલીયા પ્રાંત અધિકારી કુન્દન વાઘેલાએ અબડાસા તાલુકાની વર્તમાન સ્થિતિ અંગે પ્રભારીમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે પવન સાથેના વરસાદના લીધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કુલ ૮૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પ્રભારીમંત્રીએ અબડાસા તાલુકાની પરિસ્થિતિનો ખ્યાલ મેળવીને રોડ કનેક્ટિવિટી અને વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત વરસાદ બાદ ગ્રામ્ય રોડ રિપેરિંગ, પશુ મરણ સહાય, સરકારી નિયમોનુસાર કૅશડોલ સહાય, નુકસાન સર્વે કામગીરી, રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાઓ સહિતની બાબતોને પ્રાથમિકતા આપી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ વીજ પુરવઠાના પુનઃ સ્થાપન અને સંદેશા વ્યવહારથી કોઈપણ ગામ વંચિત રહી ના જાય એ રીતે તાલુકાના તંત્રને કામગીરી કરવા સૂચના આપી હતી. અગ્રણી દેવજીભાઈ વરચંદ અને  ધવલભાઈ આચાર્યે પ્રભારીમંત્રીની સૂચનાઓનું તાત્કાલિક અમલીકરણ કરવા અને જનજીવન સામાન્ય થાય તે દિશામાં ઝડપથી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરી સહિત તાલુકાના પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:12 PM IST)