News of Friday, 30th August 2024
ભારે વરસાદની આફત બાદ યુદ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી કરીને ૨૪ કલાકમાં કચ્છને ફરીથી ધમધમતું કરાશે
ભુજમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાહત અને પુનઃ સ્થાપન માટે બેઠક યોજી જરુરી નિર્દેશ આપ્યા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાની જાત મુલાકાત લઈને કલેક્ટર કચેરી ખાતે પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સમીક્ષા બેઠક યોજી હતી. ડીપ ડીપ્રેશન અને વાવાઝોડાની અસરના લીધે પડેલા ભારે વરસાદ બાદ જનજીવન ઝડપથી સામાન્ય થાય, નાગરિકોને નુકશાની સહાયનું ઝડપથી વિતરણ થાય અને વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય તેમજ રોગચાળો ફાટે નહીં તે માટે આરોગ્યલક્ષી પગલા તુરંત જ લેવામાં આવે એ બાબતે પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કચ્છમાડુઓના ખમીરને બિરદાવીને પ્રભારીમંત્રીએ સરકારને સહયોગ આપવા માટે જાહેરજનતાનો આભાર માન્ય હતો. આ સાથે સમયસૂચકતા દાખવીને યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી કરવા પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની ટીમ કચ્છને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રભારીમંત્રીએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આફત બાદ યુદ્ધના ધોરણે ૨૪ કલાકમાં રિસ્ટોરેશનની કામગીરી કરીને કચ્છને ધમધમતું કરવા ઉપર ભાર મૂક્યો હતો. કચ્છમાં ખાસ કરીને કનેક્ટિવિટી માટે રોડ રસ્તાઓનું રિપેરિંગ, વીજ પુરવઠાનું પુન:સ્થાપન અને રોગચાળો ફાટે નહીં તે માટે આરોગ્યલક્ષી પગલાઓ લેવા અધિકારીઓને સૂચના આપી હતી.
સતત વરસાદી માહોલ બાદ નુકશાનીના પ્રાથમિક સર્વેની વિગતો અધિકારીઓની પાસેથી મેળવીને પ્રભારીમંત્રીએ ખૂબ જ ઝડપથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને અસરગ્રસ્ત નાગરિકોને સહાયની ચૂકવણી કરવા તાકીદ કરી હતી. પ્રભારીમંત્રીએ ભારે વરસાદ અને પવનના લીધે જિલ્લામાં પશુમરણ, મકાન ધરાશયી, ઘરવખરી નુકશાની અને કૃષિમાં અંદાજિત નુકશાનીનો પ્રાથમિક અહેવાલ અધિકારીઓ પાસેથી માંગીને ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરીમાં વિલંબ પડે નહીં તે માટે બહારના જિલ્લામાંથી ટીમો ફાળવવા પણ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પ્રભારીમંત્રીએ ઉમેર્યું હતું. વરસાદી આફત દરમિયાન કચ્છના આરોગ્ય વિભાગે સમયસૂચકતાથી કચ્છ જિલ્લામાં ૨૨૬ સર્ગભા મહિલાઓની સરકારી મેડિકલ ફેસિલિટિઝમાં ડિલિવરી કરાવવામાં આવી તે વાતનો પ્રભારીમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે બેઠકમાં સર્વેની કામગીરી અને સહાયની ચૂકવણી ઝડપથી કરવા જિલ્લા કલેક્ટરને અનુરોધ કર્યો હતો. સર્વે કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે અને વહીવટી પ્રક્રિયા અનુસરીને અસરગ્રસ્તોને વહેલીતકે સહાયની ચૂકવણી કરાશે તેમ જિલ્લા કલેક્ટરએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં આગામી ૨૪થી ૪૮ કલાકમાં વરસાદની પાણી ઓસરી ગયા બાદ રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.
આ બેઠકમાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતિ પ્રીતિ શર્મા, પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, માર્ગ અને મકાન રાજ્યના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, જિલ્લા બાગાયત અધિકારી મનિષ પરસાણિયા, જિલ્લા પશુપાલન અધિકારી ડી.ડી.પટેલ, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજય ચૌધરી, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર પી.એમ.નાગર, ડિઝાસ્ટર મામલતદાર ચિરાગ નિમાવત સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર રહ્યા હતા
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
