<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ઉપલેટાના ચરેલીયા ગામે ખેડૂતોના મહામુલા પાક પાણીમાં ગરકાવ :બે દિવસ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી

1200થી 1500 વીઘા ખેતરોમાં જમીનમાં વાવેતર કરેલા પાકને નુકસાન થયું

અમદાવાદ : હવામાન ખાતાની આગાહીને પગલે સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને લઈને અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચરેલીયા ગામે વરસાદી વિરામના બે દિવસ બાદ પણ ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી. ખેતરો પાણીથી ભરેલા છે અને ખેડૂતોના મહામૂલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, એરંડા, તુવેર જેવા પાકો પાણીમાં ગરકાવ થઇ જતાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 1200થી 1500 વીઘા ખેતરોમાં જમીનમાં વાવેતર કરેલા પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે કરવા આવેલી ટીમ રોડ પર સારો પાક જઇને જતી રહી હતી. અંદર આવવાનું જણાવ્યું છતાં આવી ન હોવાનું અને પાકમાં કોઇ વાંધો ન હોવાનું જણાવ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

ખેડૂતોના આક્ષેપ પ્રમાણે જો સર્વેની ટીમ રોડની અંદર ખેતરોમાં અંદર જઈને તપાસ કરે તો જ ખબર પડે કે એક મહિના સુધી હજુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરે એવી કોઈ શક્યતા નથી. જેને લઈને ખેડૂતોનો મહામૂલો પાક તમામ નિષ્ફળ જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ અમને વીમા કે સહાય મળેલા નથી. ધીરાણું ભરાયા નથી. તેમજ ખેડૂતોએ વાવેતર કરેલ બિયારણ, દવા, ખાતર, મજુરી સહિતનો ખર્ચ પણ નીકળે તેમ નથી, જેથી સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂત બચી શકે તેમ છે તેવું ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે.

(7:51 PM IST)