News of Monday, 2nd September 2024
કલાકારો-સાહિત્યકારો ગુણ અને સંસ્કારથી સમાજને સમૃદ્ધ કરે છેઃ આચાર્ય દેવવ્રત
સંસ્કાર ભારતી દ્વારા વિવિધ ક્ષેત્રના કલાકારોનું ‘સંસ્કાર વિભૂષણ' એવોર્ડથી સન્માન, કચ્છી લોકસંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર ભારમલ સંજોટનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨: રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાન્ત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહમાં ગુજરાતના સંગીત, સાહિત્ય, કલા, નાટ્ય-નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું ‘સંસ્કાર વિભૂષણ' પુરસ્કારથી સન્માન કર્યું હતું. કલા ક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કલાકારો-સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્ય, સંગીત કે કલા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આનંદિત અને આહ્લાદિત કરીને અધ્યાત્મ તરફ લઈ જાય છે.
સંસ્કાર ભારતી ૪૩ વર્ષથી ભારતીય કલા અને ભારતીય સંસ્કૃતિની સેવામાં સક્રિય છે. સંસ્કાર ભારતી એક વૈચારિક ચેતના છે, જે કલાના માધ્યમથી ભારતીય સભ્યતા અને વૈશ્વિક સમુદાયને નૂતન દિશા દર્શન કરાવવાના આશય સાથે પ્રવૃત્ત છે. ભારતના ૩૪ રાજયોમાં ૧૩૦૦ સમિતિઓના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કર્ષ માટે કાર્યરત છે.
ગુજરાતના ૨૮ જેટલા ખ્યાતનામ કલાકારોને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘સંસ્કાર સન્માન - ૨૦૨૪' અને ‘સંસ્કાર વિભૂષણ' માનપત્ર અર્પણ કર્યા હતા, જેમાં કચ્છ જિલ્લામાં લોકસંગીત અને સંસ્કૃતિને ઉજાગર કરનાર કલા વારસો સંસ્થાના સ્થાપક અને મારવાડા મેઘવાળ સમાજના શ્રી ભારમલભાઈ સંજોટજીને ‘સંસ્કાર સન્માન - ૨૦૨૪' માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.તેમણે કચ્છી લોકસંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપીને સંસ્કૃતિને જીવંત રાખેલ છે.કચ્છ માટે આ માનપત્ર ખૂબ જ મહત્વનું ગણાવી શકાય છે અને વર્ષોથી જૂની પરંપરા અને સંસ્કૃતિને આજસુધી જાળવી રાખવામાં આવેલ છે.
ગુજરાતના ૨૮ જેટલા ખ્યાતનામ કલાકારોને ‘સંસ્કાર સન્માન - ૨૦૨૪' અને ‘સંસ્કાર વિભૂષણ' માનપત્ર અર્પણ કરતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે માઇક્રોફોન દ્વારા મારો અવાજ આપના સુધી પહોંચે છે એ માઇક્રોફોનમાં વપરાયેલા લોખંડ અને પ્લાસ્ટિકની કિંમત તો ૨૦-૪૦ રૂપિયા જ હશે, પરંતુ એન્જિનિયરોએ લોખંડ-પ્લાસ્ટિકના ટુકડામાં સંસ્કાર સિંચન કરીને તેને માઇક્રોફોન બનાવ્યું એટલે તેની કિંમત હજ્જારો રૂપિયા થઈ ગઈ. સંસ્કાર માણસને મનુષ્ય બનાવે છે, મૂલ્યવાન બનાવે છે, જીવન જીવતાં શીખવે છે.
આ પ્રસંગે ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે સંસ્કાર ભારતી સંસ્થાના કાર્યોનો ચિતાર આપ્યો હતો અને આજના આયોજન બદલ અભિનંદન આપતાં કહ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને ઈલેક્ટ્રોનિક મનોરંજક માધ્યમોના પ્રભાવ વચ્ચે સંસ્કાર ભારતી ધરતીની ધૂળમાં રમતા કલાકારોની કલાને પોંખીને, તેમના મૂંગામંતર થઈ ગયેલા વાજિંત્રોને ધબકતાં રાખવાનું કામ કરી રહી છે જે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે અનાજ કે ચીજ વસ્તુઓનો દુષ્કાળ પડશે તો વિદેશથી આયાત પણ કરી શકાશે. પરંતુ કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તો તે ક્યાંયથી આયાત નહીં થઈ શકે. કલા, સંસ્કાર અને સંસ્કૃતિને તો આપણી ધરતીમાં જ ઉગાડવા પડશે, તેનું જતન અને સંવર્ધન કરવું પડશે. કલા દિવસે તો કલાકાર જીવશે, અને કલાકાર જીવશે તો રાષ્ટ્ર જીવશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
