News of Monday, 2nd September 2024
આમરણ ચોવીસી પંથકમાં મોટાપાયે જમીનનું ધોવાણઃ ખરીફ પાકોનો નાશ
ડેમી નદીના પૂરે તબાહી મચાવીઃ હજુ પણ ખેતરોમાં ગોઠણસમા ભરાયેલા પાણીઃ સીમ માર્ગોની હાલત પણ બિસ્મારઃ કરોડોનું નુકશાનઃ ૧પ૪ વિજ પોલ ધરાશાયીઃ ૮ ટ્રાન્સફર્મર-રપ વિજ મીટરો બળી ગયાઃ ગામડાઓમાં જવા માટે મુશ્કેલી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ર :.. દરિયા કાંઠાળ આમરણ ચોવીસી પંથકના ગામોમાં ડેમી નદીના પૂરના પાણીએ કૃષિક્ષેત્રે વ્યાપક તારાજી સર્જી હોવાનું પૂરના પાણી ધીમે ધીમે ઓસરતા વિગતો બહાર આવી રહી છે. નદી કાંઠાળ ગામોની કૃષિ જમીન ઉપર ઊભેલ કપાસ, તુવેર, અજમો જેવા ખરીફ પાકોનું નિકંદન નીકળી જવા પામ્યુ છે. ગ્રામ્ય માર્ગો અને વિદ્યુત તંત્રને પણ વ્યાપક નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે. મોટાપાયે જમીન ધોવાણ થયું હોવાનું જોવા મળી રહ્યું છે.
ગત મંગળ-બુધ-ગુરૂવાર ત્રણ દિવસ સુધી એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ઉપરવાસમાં આવેલ ડેમી-૩ ડેમના દરવાજા કલાકોના અંતરે ખોલીને અનેકવાર છોડવામાં આવેલ પાણીના ધસમસતા પ્રવાહો ગામો અને ખેતરોમાં ફરી વળતા સેંકડો વીઘા જમીન પર ઉભેલ પાકનો સોથ વળી જવા પામ્યો છે. હજુ પણ અમુક ખેતરો ગોઠણસમા પાણીમાં ગરકાવ છે. છેલ્લા એક સપ્તાહ થયા ખેતરમાં પાણી ભરત રહેતા પાક કાળો પડી જઇ મુરઝાઇને જમીન પર ઢળી પડયો છે. ખેતરો ફરતેના માટીના પાળાઓનું ધોવાણ થયું છે. સીમ વિસ્તારમાં જવાના કાચા માર્ગો ઊંડી ખાઇ બની જવા પામ્યા છે. ખેડૂતો પોતાના ખેતરની સારસંભાળ લેવા પણ પહોંચી શકે નહીં. તેવી હાલત સીમ માગોની થઇ જવા પામી છે. કરોડો રૂપિયાની પારાવાર નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે. કિસાન અગ્રણી હસમુખભાઇ ગામી, બેલાન સરપંચ શિવલાલ કાસુન્દ્રા, ઉટબેટના સરપંચ જેરામભાઇ પરમાર વગેરે આગેવાનોએ તાકિદે સર્વે કામ પૂર્ણ કરી ખેડૂતોને આર્થિક વળતર આપવા માગણી કરી છે.
આમરણથી જીવાપર-ઉટબેટ-ઝીંઝૂંડા - કોઠારીયા-બાદનપર-ફડસર વગેરે જૂદા જૂદા ગામો તરફ જતા ગ્રામ્ય માર્ગોનું ધોવાણ થયેલ છે.
આમરણ પીજીવીસીએલ સબ ડીવીઝન કચેરીના ડેપ્યુટી એન્જિ. એન. જે. સાણંદીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તારણ મુજબ ૧પ૪ વીજ પોલ ધરાશાયી થયા છે. જયારે ૮ વીજ ટ્રાન્સફોર્મર અને રપ કૃષિ વીજ મીટરો બળી જવા પામ્યા છે.
મોરબી પીડબલ્યુડી (સ્ટેટ) વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું કે, પૂર પ્રભાવિત ગ્રામ્ય માર્ગોનું યુધ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ટૂંકમાં જ દુરસ્ત માર્ગોની મરામત કાર્યવાહી પૂર્ણ થઇ જશે. બે દિવસમાં તમામ માર્ગો પરિવહન લાયક બની જશે.
આમરણથી ૬૦ કિ. મી. દૂર ટંકારા પાસે ઉદગમ સ્થાન ધરાવતી ડેમી નદીની જળ રાશિ છેવાડાના આમરણ ચોવીસી પંથકના દરિયાકાંઠે આવેલા ઊટબેટ, શામપર ગામ નજીક આવેલ કચ્છના અખાતની ખાડીમાં વિલીન થાય છે. અતિવૃષ્ટિ સમયે આમરણ ચોવીસી પંથકના ઉપરવાસના ડેમી નદી માર્ગમાં બંધાયેલા ડેમી-૧-ર-૩ ડેમો જયારે ઓવરફલો થાય છે. ત્યારે દરવાજા ખોલવાની નોબત આવતાની સાથે જ આ વિસ્તાર સંપૂર્ણ જળબંબાકાર બની જાય છે. કુદરતી રીતે આ પંથક છેવાડાનો નીચાણવાળો ભાગ હોવાથી ઉપરવાસના ૬૦ કિ. મી. વિસ્તારની જળ રાશી આખરે અહીં ઠલવાતી હોય મોટે ભાગે દર વર્ષે આ વિસ્તારના ખેડૂતો તેમજ જનતાને કુદરતી અને કયારેક માનવ સર્જિત આફતોનો સામનો કરતો રહેવો પડે છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
