<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ધોરાજીમાં પોલીસ સ્‍ટેશનના લોકઅપમાં યુવાન કમલેશનો આપઘાતઃ ચોરીના આરોપસર લોકોએ પકડીને સોંપ્‍યો હતો

પુછપરછ વખતે બાથરૂમ જવાનું કહી અંદર ગયા બાદ ગમછાથી ગળાફાંસો ખાઇ લીધોઃ હોસ્‍પિટલે ખસેડાયો પણ દમ તોડી દીધોઃ પોલીસ સ્‍ટેશને લોકોના ટોળા ભેગા થઇ જતાં રૂરલ એસપીને દોડી જવું પડયું: મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૨: જિલ્લાના ધોરાજીમાં પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં જ એક યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ યુવાનને ચોરીની શંકા સાથે લોકોએ પકડીને પોલીસને સોંપ્‍યો હતો. ધોરાજી પોલીસ સ્‍ટેશનમાં તેને લઇ જવાયો હતો. જ્‍યાં પુછતાછ શરૂ થઇ ત્‍યારે તેણે બાથરૂમ જવાનું કહેતાં ઇન્‍ટ્રોગેશન રૂમના બાથરૂમમાં તેને મોકલવામાં આવ્‍યો હતો. જ્‍યાં તેણે ગમછાથી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવી હતી અને બાદમાં ધોરાજી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. બીજી તરફ આપઘાત કરનારના પરિવારજનો સહિતના ટોળા પોલીસ સ્‍ટેશને ભેગા થઇ જતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. રાજકોટથી રૂરલ એસપી પણ ધોરાજી દોડી ગયા હતાં.

આ બનાવની વિગતો જણાવતાં ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્‍યું હતું કે ધોરાજીના કમલેશ ઉર્ફ મોહન કેશવજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવકને ધોરાજી સિટીમાં હનુમાનના મંદિર પાસે ચોરી કરતા લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્‍યો હતો. ત્‍યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેથી પોલીસ સ્‍ટેશનના ઇન્‍ટ્રોગેશનના બાથરૂમમાં ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. જેથી પોલીસ દ્વારા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને બોલાવવામાં આવી હતી અને યુવાનને સીપીઆર પણ આપવામાં આવ્‍યું હતુ.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આ યુવાને પોલીસ સ્‍ટેશનમાં જ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતા તુરંત જ એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી લેવામાં આવી હતી અને આ યુવાનને બચાવવા માટે સીપીઆર મારફત પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્‍ટ આપવામાં આવી હતી અને બાદમાં આ યુવાનને હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો. જોકે તે વખતે ફરજ પરના તબીબોએ આ યુવાનને મળત જાહેર કર્યો હતો. જેથી પોલીસે મળત્‍યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સ્‍ટેશનમાં જ આપઘાત કરી લેનારો કમલેશ પરમાર ધોરાજી બહારપુરા સિધ્‍ધાર્થનગર ભુખી ચોકડી પાસે રહે છે. તે ત્રણ ભાઇમાં બીજો હતો અને લગ્ન થઇ ગયા હતાં. તેને સંતાન નથી. પીઆઇ ગોધમ અને ટીમ વધુ તપાસ કરે છે. બનાવની જાણ થતાં રૂરલ એસપી પણ ધોરાજી પહોંચ્‍યા હતાં. કમલેશે પોલીસ સ્‍ટેશનમાં બાથરૂમની બારીમાં ફાળીયુ-ગમછો બાંધીને આ પગલુ ભરી લીધુ હતું. રાજકોટ ખાતે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાયું હતું.

(11:04 AM IST)