<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ભારે વરસાદમાં પાકની સાથે ખેતરો ધોવાતા ધ્રોલના સોયલમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો...

નદીના કાંઠેની જમીન પાક સાથે ધોવાઈ જતા ખેડૂતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો : પાંચ દિવસના વરસાદી માહોલમાં દસ દસ ફૂટ જેટલા પાણીથી તરબતર ખેતીની જમીન હવે ખેતીલાયક નથી રહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ જામનગર જિલ્લાના અનેક ખેતરો ધોવાઈ ચૂક્યા છે.. ત્યારે ધ્રોલ પંથકના સોયલ  ગામે આવેલ નદીના કાંઠેની જમીન પાક સાથે ધોવાઈ જતા ખેડૂતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. 

જન્માષ્ટમી ના તહેવારો ઉપર વરસાદે તબાહી મચાવી હતી. પાંચ દિવસના વરસાદી માહોલમાં દસ દસ ફૂટ જેટલા પાણીથી તરબતર ખેતીની જમીન હવે ખેતીલાયક નથી રહી. સોયલ ગામના જેન્તીભાઇ સાપોવાડીયા નામના ખેડૂતે પોતાની મરણમુળી સમાન 12 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ભારે વરસાદ પડવાને લઈને ખેતીની જમીનમાં નદીના પાણી ફરી વળતા આ ખેડૂતની આશ પર પાણી ફરી વળ્યુ છે.

જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ- જોડીયા પંથકમાં થયેલા ભારે વરસાદને લઈને નદીકાઠે આવેલા ખેતરો ધોવાઈ જતા રવિ પાક તો નિષ્ફળ ગયો જ છે. પરંતુ આવનારી સિઝન પણ લઈ શકાય તેવી પરિસ્થિતિ ખેતરમાં રહી નથી. ત્યારે જગતનો તાત પણ હવે સરકાર સમક્ષ મદદની આશ લગાવીને બેઠો છે. ( ફોટો સ્ટોરી : કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 PM IST)