<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મોરબી: ભારે વરસાદ અને મચ્છુ ડેમના દરવાજા ખોલવાને કારણે પુર આવવાના કારણે માળીયા(મિ)ના મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન.

આ ઉધોગ પર નભતા હજારો પરિવારો બેકાર બન્યા:તાત્કાલિક સર્વે કરાવી મીઠાઉદ્યોગને બચાવી લેવા મુખ્યમંત્રીને રજુઆત કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ: 500 નાના અને 100 મધ્યમ એકમો ને કલ્પના બહારનું નુકશાન : તૈયાર માલ 25 ટકાથી વધુ. ઓગળી ગયો, નુકશાનનો ક્યાસ મેળવવામા મહિનાઓ લાગશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રને છેલ્લા ત્રણ દિવસથી ધમરોળી રહેલા મેઘરાજાએ મોરબી જિલ્લામાં તબાહી સર્જી છે ત્યારે આ ભારે વરસાદમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મીઠા ઉદ્યોગને કલ્પના બહારનું નુકશાન થયું છે, માળીયા મિયાણા પંથકના 500 નાના, 100 મધ્યમ મીઠા એકમો માં  તૈયાર મીઠા ઉપરાંત સાગર પાળા તોડી વરસાદી પાણી સોલ્ટ પ્લાન્ટમાં ઘુસી જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અને આ નુક્શાનીનો સાચો આંકડો સામે આવતા પણ મહીનાઓનો સમય લાગશે.
    મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં 500 જેટલા નાના અને 100 જેટલા મોટા મીઠા ઉદ્યોગ આવેલા છે, આ ઉપરાંત હળવદ તાલુકામાં પણ નાના મોટા અનેક મીઠાના અગર આવેલ છે જે તમામને ભારે વરસાદને કારણે કલ્પના બહારનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મચ્છુ – 2 ડેમમાંથી લાખો ક્યુબીક પાણી છોડવામાં આવતા મચ્છુના પાણી માળીયા પંથકમાં ફરી વળતા મીઠા ઉદ્યોગના કાચા – પાકા માલ ઉપર પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે.
  માળીયા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના  મીઠા ઉત્પાદકો દ્વારા જાણવા મળ્યા મુજબ, અગાઉ આવેલ સુનામી અને તોકતે વાવઝોડા કરતા પણ વધુ નુકશાની ભારે વરસાદ અને મચ્છુ નદીના પાણી ફરી વળતા થઈ હોવાનું જણાવી રહ્યા છે. વરસાદી પાણીને કારણે 500જેટલા નાના અને 100 જેટલા મીઠાના એકમોના સાગર પાળા ધોવાઈ જતા પાણીનો પ્રવાહ મીઠાના એકમોમાં ઘુસી જતા મીઠા ના કિયારા માં કાદવ અને કીચડ ભરાઈ ગયા છે.
તેમજ ભારે વરસાદને કારણે મીઠાની બેડ પણ ધોવાઈ ગઈ છે ઉપરાંત મીઠાનો કરોડો ટન જથ્થો પણ ધોવાઈ જતા 25 ટકા થી વધુ જેટલો તૈયાર માલ પાણીમાં ઓગળી ગયો છે અને હજુ પણ વરસાદ આમને આમ ચાલુ રહેશે તો નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
મીઠા નું. ઉત્પાદન મોડું થવાની શકયતા ,
     દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન માળીયા મિયાણા અને કચ્છ જિલ્લામાં થાય છે ત્યારે ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં મીઠાનો કાચો માલ તેમજ તૈયાર માલ ધોવાઈ ગયો છે અને 25 ટકા થી વધુ તૈયાર મીઠું પાણીમાં ઓગળી ગયું છે ત્યારે મીઠા ઉદ્યોગને પુનઃ સ્થાપિત થતા હજુ. ખાસો સમય લાગે તેમ હોય મીઠા નું મોડ થાય તેવી સ્થિતિ હોવાથી સરકાર આ બાબત વહેલામાં વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગનો મૃત્ય ઘંટ વાગે તે પહેલાં આ ઉદ્યોગને ઉગારી તેવી માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કરી છે.

(6:56 PM IST)